December 28, 2024

‘તેમનું જીવન પ્રામાણિકતા અને સાદગીનું પ્રતિક’, મનમોહન સિંહને યાદ કરીને PM મોદી થયા ભાવુક

Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છે. દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહના નિવાસ સ્થાને જઈને પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી વડાપ્રધાન મોદીએ શોક સંદેશ જારી કરીને પૂર્વ પીએમને યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે ‘પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધનથી અમે બધા દુખી છીએ. તેમની વિદાય દેશ માટે એક મોટો આઘાત છે. મનમોહન સિંઘનું જીવન ભાવિ પેઢીઓ માટે એક ઉદાહરણ છે કે તેઓ કેવી રીતે તમામ પડકારોને પાર કરી શકે છે અને મહાન ઊંચાઈ સુધી પહોંચી શકે છે.

વડા પ્રધાને કહ્યું કે ‘તેમને એક પ્રામાણિક નેતા, એક મહાન અર્થશાસ્ત્રી અને એક એવા નેતા તરીકે હંમેશા યાદ કરવામાં આવશે જેમણે પોતાને સુધારણા માટે સમર્પિત કરી દીધા. એક અર્થશાસ્ત્રી તરીકે, તેમણે દેશને ખાસ કરીને પડકારજનક સમયમાં મહાન સેવા આપી હતી. તેમણે વિવિધ હોદ્દા પર સેવા આપી અને દેશની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમણે રિઝર્વ બેંકના ગવર્નર તરીકે સેવા આપી હતી. તેઓ પૂર્વ પીએમ પીવી નરસિમ્હા રાવની સરકારમાં નાણામંત્રી હતા અને દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો નાખ્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે ‘લોકોના પ્રત્યેના તેમના સમર્પણ અને દેશના વિકાસને હંમેશા સન્માનની નજરે જોવામાં આવશે. ડૉ.મનમોહન સિંહનું જીવન પ્રમાણિકતા અને સાદગીનું પ્રતીક હતું. તેમની નમ્રતા અને બુદ્ધિમત્તા તેમના જીવનની વિશેષતા હતી. મને યાદ છે કે જ્યારે રાજ્યસભામાં તેમનો કાર્યકાળ પૂરો થયો ત્યારે મેં કહ્યું હતું કે સાંસદ તરીકે તેમનું સમર્પણ શીખવા જેવું છે.

વડાપ્રધાને કહ્યું, ‘ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં મનમોહન સિંહ ક્યારેય પોતાના મૂળને ભૂલી શક્યા નથી. તેઓ દરેક માટે સરળતાથી ઉપલબ્ધ હતા. જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે મનમોહન સિંહ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ખુલ્લા મનથી ચર્ચા કરવામાં આવી હતી. દિલ્હી આવ્યા પછી પણ હું તેમની સાથે સમયાંતરે ચર્ચા કરતો હતો, તે ચર્ચાઓ અને બેઠકો મને હંમેશા યાદ રહેશે. આજે, આ મુશ્કેલ સમયમાં, હું તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.