PM મોદી-ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બીજીવાર મુલાકાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ફરી મુલાકાત થઈ છે. G20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલની રાજધાની રિયો ડી જાનેરો પહોંચેલા પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે પણ વાતચીત થઈ હતી. રશિયામાં બ્રિક્સ સમિટ બાદ આ બીજીવાર બંને નેતાઓની મુલાકાત થઈ છે. આ પહેલા લદ્દાખમાં તણાવના કારણે બંને નેતાઓ વચ્ચે 5 વર્ષ સુધી વાતચીત થઈ શકી ન હતી.

આ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે સોમવારે જ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓએ ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઈટ ફરી શરૂ કરવા અંગે ચર્ચા કરી હતી. રિયો ડી જાનેરોમાં G-20 સમિટ દરમિયાન બંને નેતાઓએ કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અંગે પણ ચર્ચા કરી હતી. 2020માં કોરોના રોગચાળાને પગલે બંને દેશો વચ્ચેની સીધી ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે લગભગ 15 મિનિટ સુધી વાતચીત થઈ હતી. એવું માનવામાં આવે છે કે, બંને નેતાઓએ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી છે. જો કે, આ બેઠક અંગે બંને પક્ષો દ્વારા હજુ સુધી કોઈ માહિતી શેર કરવામાં આવી નથી.