December 19, 2024

PM મોદી સિવાય 45 વર્ષ પહેલા કયા વડાપ્રધાન પોલેન્ડ ગયા હતા? બીજા વિશ્વ યુદ્ધ સાથે કનેક્શન

Polland India Relations: વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન તરફ જતા 21મી ઓગસ્ટ, બુધવારે પોલેન્ડમાં હશે. જ્યાં તેઓ વારસોમાં પોલિશ રાષ્ટ્રપતિ આંદ્રેજા ડૂડા અને પીએ ડોનાલ્ડ ટસ્ક સાથે વાતચીત કરશે. પરંતુ શું તમે જાણો છો કે, અંદાજે પાંચ દાયકામાં પહેલીવાર જ્યારે ભારત તરફથી કોઈ વડાપ્રધાન પોલેન્ડના પ્રવાસે જશે. ભારત અને પોલેન્ડ વચ્ચે 1954માં રાજનૈતિક સંબંધો સ્થાપાયા હતા. પરંતુ આટલા બધા વર્ષોનો ગેપ કેવી રીતે આવ્યો. જ્યારો સત્ય તો એ છે કે બંને વચ્ચે દાયકાઓથી સારો સંબંધ છે.

આ સાથે એ જાણવું પણ રસપ્રદ છે કે, પીએમ મોદીની આ મુલાકાત પહેલાં કોણ ભારતથી પોલેન્ડની મુલાકાતે ગયું હતું? વર્ષ 1977થી 1979 વચ્ચે ભારતના વડાપ્રધાન રહેલા મોરારજી દેસાઈએ 1979માં વારસોની મુલાકાત લીધી હતી. 1979માં મોરારજી દેસાઈની મુલાકાત બાદ અન્ય કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ પોલેન્ડ મુલાકાત હશે. તેમના પહેલાં જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી બંને આ દેશની મુલાકાતે ગયા હતા.

બંને દેશો વચ્ચેના સંબંધોનો પાયો નાંખતાની સાથે જ 1957માં વારસોમાં ભારતીય દૂતાવાસ અને 1954માં નવી દિલ્હીમાં પોલિશ દૂતાવાસ ખોલવામાં આવ્યું હતું. હવે આ સંબંધોને આગળ લઈ જઈને પીએમ તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. વડાપ્રધાન મોદીની મુલાકાતનું ફોકસ સંરક્ષણ અને વ્યૂહાત્મક રહેશે. વડાપ્રધાન જામનગર અને કોલ્હાપુરના મહારાજાઓના સ્મારકોની મુલાકાત લેશે.

બીજા વિશ્વયુદ્ધમાં ભારતે પોલેન્ડવાસીઓને આશ્રય આપ્યો હતો…
એક માહિતી અનુસાર, 1942થી 1948 દરમિયાન 6000થી વધુ પોલેન્ડની મહિલાઓ અને બાળકોને ભારતના બે રજવાડાં, જામનગર અને કોલ્હાપુરમાં આશ્રય આપવામાં આવ્યો હતો. નવાનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાએ તેમના રાજ્યમાં એક હજારથી વધુ પોલિશ બાળકોને આશ્રય આપ્યો હતો. તો બીજા ઘણાં બાળકોને કોલ્હાપુરના એક મોટા કેમ્પમાં આશ્રય મળ્યો હતો. પોલેન્ડ અને ભારતમાં બાળપણ વિતાવનારા લોકો આ સંબંધને સારી રીતે યાદ કરશે. આ સમયગાળો બંને દેશોને ખૂબ સારી રીતે જોડે છે.

પોલિશ વિદ્વાનોએ સંસ્કૃત ભાષાંતર કર્યું છે…
પોલેન્ડમાં ઈન્ડોલોજિકલ અભ્યાસની જૂની અને મજબૂત પરંપરા છે. પોલિશ વિદ્વાનોએ 19મી સદીની શરૂઆતમાં સંસ્કૃતનો પોલિશમાં અનુવાદ કર્યો હતો. 1860-61 સુધી ક્રાકોવની 600 વર્ષ જૂની જેગીલોનિયન યુનિવર્સિટીમાં સંસ્કૃતનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જ્યાં 1893માં સંસ્કૃતની ખુરશીની સ્થાપના કરવામાં આવી હતી.

પોલેન્ડ અને ભારત વચ્ચે અબજો ડોલરના વેપાર સંબંધો
બંને દેશ વચ્ચેના વેપાર સંબંધો હજુ પણ ખૂબ જ મજબૂત છે. પોલેન્ડ મધ્ય અને પૂર્વ યુરોપમાં ભારતનું સૌથી મોટું વેપાર અને રોકાણ ભાગીદાર છે. 2023-2024માં બંને દેશો વચ્ચેનો વેપાર $5.72 બિલિયન હતો, જેમાંથી ભારતે $3.96 બિલિયનની નિકાસ અને $1.76 બિલિયનની આયાત કરી હતી. નિષ્ણાતોના મતે, વેપાર સંતુલન મોટાભાગે ભારતની તરફેણમાં રહ્યું છે, જે 2010માં $650 મિલિયનથી વધીને 2022માં $2.6 બિલિયન થઈ ગયું છે. ભારત પોલેન્ડમાં ચા, કોફી, મસાલા, તેલીબિયાં પાક, સીફૂડ, અનાજ અને શાકભાજીની નિકાસ કરે છે.