December 26, 2024

કેવી રીતે નરેન્દ્ર મોદીને મળી MLAની સીટ? જાણો તેમના નજીકના લોકો સાથેના સંસ્મરણો

અમદાવાદઃ આજે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 74મો જન્મદિવસ છે. ત્યારે તેમની સાથે જોડાયેલા કેટલાક લોકોએ સંસ્મરણો વાગોળ્યા છે. આવો જાણીએ તેમના શબ્દોમાં નરેન્દ્ર મોદી સાથેની વાતો…

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા નરેન્દ્ર મોદી માટે ધારાસભ્યની સીટ છોડવાની વાત અંગે જણાવે છે કે, ‘એક દિવસ અહીં આતંકવાદી વિરોધનો કાર્યક્રમ હતો. તે સમયે રાજેન્દ્રસિંહ રાણા આવ્યા હતા. ત્યારે મેં કહ્યું હતું કે, મુખ્યમંત્રી તરીકે સિલેક્ટેડ પર્સન તરીકે અહીં નરેન્દ્ર મોદી આવ્યા છે અને તેમને ઇલેક્ટેડ પર્સન તરીકે અહીં લાવવા હોય તો અમે બધા કાર્યકર્તા તમને વિનંતી કરીએ છીએ કે રાજકોટ-2ની સીટ પરથી નરેન્દ્રભાઈને લડાવો અને તેમને ચોક્કસ જીતાડીને આપશે તેવો મને વિશ્વાસ છે. આ રીતે સૌએ એકજૂથ થઈને સીટ આપી હતી અને તેઓ જીત્યા હતા.’

આ પણ વાંચોઃ CM તરીકે રહેલા મોદીજીના માઇલસ્ટોન નિર્ણય ગુજરાત કદી નહીં ભૂલે

ઉદ્યોગપતિ સવજીભાઈ ઢોળકિયા તેમના વિશે જણાવતા કહે છે કે, ‘મેં ફેક્ટરીનું ઓપનિંગ કર્યું. તેમને આમંત્રણ આપ્યું. તેઓ આવ્યા પણ ખરાં… મેં આભારનો લેટર લખ્યો. સરોવર બનાવ્યું. પછી મેં ફરીથી રિક્વેસ્ટ કરી. પછી ઓપનિંગ કર્યું. અમારી માટે ઇમપોસિબલ હતું. પછી મેં 100 સરોવરનો સંકલ્પ લીધો. તેમાંથી 75 સરોવર બની ગયા પછી ફરીથી હું તેમને મળવા ગયો અને કોઈપણ પ્રકારની એપ્લિકેશન વગર મને મોટિવેશન પૂરું પાડવા માટે પદ્મશ્રી એવોર્ડ મળ્યો. નરેન્દ્ર મોદીમાંથી ખૂબ પ્રેરણા મળે છે. મારી એક ફેક્ટરીનું ઓપનિંગ કર્યું, ત્યારબાદ સરોવરનું ઓપનિંગ કરીને મને સમાજસેવા કરવા માટે પ્રેરણા આપી.’

વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલ જણાવે છે કે, ‘એમના ગુજરાત અને દેશના શાસનના સમયગાળા દરમિયાન તેમણે અનેક નૂતન અભિગમ, નવા કાર્યક્રમ અને આયામો રહેલા છે. જેમાં એક વ્યક્તિ તરીકે, એક અધ્યાપક તરીકે, એક વિદ્યાર્થી તરીકે, એક સમાજસેવક તરીકે અને એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે કેવી રીતે કામ કરી શકાય, લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેવા અનેક ઉદાહરણ તેમણે પૂરા પાડ્યા છે.’

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભોજનમાં પસંદ છે આ ગુજરાતી વાનગીઓ

વડોદરાના સંઘના જૂના કાર્યકર્તા મોહન વિચારે જણાવે છે કે, ‘જ્યારે તેઓ વડોદરામાં પાંચ વર્ષ રહ્યા ત્યારથી હું તેમને ઓળખું છું. નરેન્દ્ર મોદી શાસ્ત્રીની પોળમાં વડોદરાના સરસંઘચાલક તરીકે રહેતા હતા. મને અને મારા પરિવારને ઓળખે છે. અમે અઠવાડિયામાં એકવાર બેસીને જમતા હતા. તેમના કાર્ય પર અમને સૌને ગર્વ છે.’

ગીર સોમનાથના વકીલ અને સંઘના કાર્યકર્તા કિશોરભાઈ કોટક જણાવે છે કે, ‘મુખ્યમંત્રી થયા પછી વેરાવળમાં મળ્યો હતો. તેમની સાથે વાત કરીએ ત્યારે તેઓ ગહનતાથી સાંભળે અને તે પ્રમાણે પગલાં લેતા હતા.’

ગીર સોમનાથના વધુ એક સંઘના જૂના કાર્યકર્તા ચંદ્રપ્રકાશ ભટ્ટ મીઠા સંસ્મરણો વાગોળતા કહે છે કે, ‘મુખ્યમંત્રી તરીકે આવ્યા હત્યારે હું સંગઠન મંત્રી હતો. ત્યારે દરિયાકિનારા તરફ એક કાર્યક્રમ હતો. તેમાં તેઓ મુખ્યમંત્રી તરીકે આવવાના હતા. ત્યારે હું કાર્યક્રમમાં થોડો મોડો પહોંચ્યો હતો. ત્યારબાદ હું પ્રેક્ષકોમાં બેઠો. ત્યારે મોદીજીની નજર મારી તરફ પડી હતી. ત્યારે તેમણે સ્ટેજ પરથી માણસ મોકલીને મને બોલાવ્યો અને સ્ટેજ પર બેસાડ્યો હતો.’

નરેન્દ્ર મોદીના અંગત મિત્ર અરવિંદ પરિખ જણાવે છે કે, ‘નરેન્દ્રભાઈ મોદી મારી સાથે સ્કૂટર પર ફરતા હતા અને અમે સાથે જ જમતા હતા. સોમનાથ રથયાત્રામાં પણ હું તેમની સાથે જ હતો. આગ્રાની જેલમાં પણ અમે 13 દિવસ સાથે હતા. પ્રખર બુદ્ધિશાળી અને દૂરદર્શી વિચારધારા ધરાવતા છે.’

ગુજરાતના પૂર્વ માહિતી કમિશનર ભાગ્યેશ જ્હા જણાવે છે કે, ‘બહુ વર્ષો પછી… એક હજાર વર્ષ પછી આવા નેતા પ્રજાને મળતા હોય છે. તેઓ કર્મયોગી છે. બે-ચાર કલાક ઉંઘ્યા સિવાય ક્ષણેક્ષણ દેશ માટે સમર્પિત કરે છે. તેઓ સતત કાર્યશીલ-પ્રવાસશીલ છે. વિશ્વનેતા થયા પછી પણ તેઓ પ્રજા વચ્ચે જાય છે અને તેમને સાંભળે છે. એક કિસ્સો યાદ કરું તો, રક્ષાબંધનનો દિવસ હતો. સમગ્ર રાજ્યમાંથી મહિલાઓ રક્ષાસૂત્ર બાંધવા માટે કાર્યાલયે આવી હતી. તે સમયે નરેન્દ્ર મોદી સાહેબને વિચાર આવ્યો કે, મારી ખરેખર રક્ષા કરનારા જવાનો કોઈ યુપીથી છે, તો કોઈ કાશ્મીરથી છે. તેમની બહેનો રાખડી બાંધવા માટે અહીં આવી શકશે નહીં. ત્યારે તેમણે મહિલાઓને તેમના રક્ષકોને રાખડી બાંધવા માટે અનુરોધ કર્યો. આ દૃશ્ય ખૂબ જ લાગણીશીલ બની ગયું હતું. કઠણ દેખાતા જવાનોના હૃદય પણ પીગળી ગયા હતા. તેમની સંવેદનશીલતા અદ્ભુત હતી. આખા મંડપમાં 500-700 લોકો હતા અને બધાની આંખો ભીની હતી.’