December 23, 2024

‘જે પોતે હોશમાં નથી તે લોકો મારા કાશીના યુવાનોને નશેડી કહી રહ્યા છે’

PM Modi Varanasi Visit: લોકસભા ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા હતા. વારાણસીમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. જેમાં પીએમ મોદીએ કહ્યું, ‘દાયકા દાયકાઓથી પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણે યુપીને વિકાસમાં પાછળ ધકેલી દીધું છે. અગાઉની સરકારોએ રાજ્ય બિમાર બનાવ્યું હતું. અહીંના યુવાનોએ તેમનું ભવિષ્ય છીનવી લીધું હતું.’ પીએમ મોદીએ કોગ્રેસ પર નિશાન સાધ્યું હતું.

કોંગ્રેસ હતાશ છે :પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, ‘કોંગ્રેસના યુવરાજ કાશીની ધરતી પર આવ્યા ત્યારે કહ્યું હતું કે કાશીના યુવાનો નશેડી છે. આ કેવી ભાષા છે. તેમણે મોદીને ગાળો આપતા આપતા બે દાયકા પસાર કર્યા છે. હવે તેઓ કાશીના યુવાનો પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. જેઓ પોતે હોશ ગુમાવી ચૂક્યા છે તેઓ મારા કાશીના બાળકોને નશેડી કહી રહ્યા છે. કોંગ્રેસ સંપૂર્ણપણે હેબતાઈ ગઈ છે.’ વધુમા પીએમ મોદીએ કહ્યું, ‘કાશી સુધરવા જઈ રહી છે. અહીં રસ્તાઓ બનશે, પુલ બનશે, ઈમારતો પણ બનશે, પરંતુ અહીં મારે દરેક વ્યક્તિને સુંદર બનાવવાની છે, દરેક હૃદયને સુંદર બનાવવાનું છે અને સેવક બનીને તેને સુંદર બનાવવાનું છે. કાશી શિવની નગરી પણ છે અને બુદ્ધના ઉપદેશોની પણ ભૂમિ છે. કાશી જૈન તીર્થંકરોનું જન્મસ્થળ પણ છે અને આદિ શંકરાચાર્યે પણ અહીંથી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.’

PM શેરડીના ભાવ વધારા પર બોલ્યા
પીએમ મોદીએ કહ્યું કે, ‘કાશી વિશેની સંપૂર્ણ માહિતી પર આજે અહીં બે પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું છે. કાશીએ છેલ્લા 10 વર્ષમાં જે વિકાસની સફર કરી છે, તેના દરેક પડાવ અને અહીંની સંસ્કૃતિનું વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે.’ સંબોધનમાં પીએમ મોદીએ શેરડીના લઘુત્તમ ભાવમાં વધારાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘માત્ર બે દિવસ પહેલા જ સરકારે શેરડીનો લઘુત્તમ ભાવ વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કર્યો છે. તમને એ સમય પણ યાદ છે જ્યારે અગાઉની સરકાર શેરડીના પેમેન્ટ માટે રાહ જોવડાવતી હતી, પરંતુ હવે માત્ર ખેડૂતોના લેણાં ચૂકવવામાં આવી રહ્યાં નથી, પાકના ભાવમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે.