December 17, 2024

PM મોદી શુક્રવારે આસામ અને શનિવારે અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે

Lok Sabha Elections 2024 PM Modi Assam Arunachal Pradesh Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm Modi) શુક્રવારે આસામ (Assam) અને શનિવારે અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ 18 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સ ગિફ્ટ કરશે. નોંધનીય છે કે લોકસભા ચૂંટણી 2024ની સત્તાવાર જાહેરાત પહેલા પીએમ મોદીની અશ્વમેધ યાત્રા ચાલુ છે. કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પીએમ મોદી ગુરુવારે પહેલીવાર કાશ્મીર પહોંચ્યા હતા અને પીએમ મોદીએ 6400 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ ભેટમાં આપ્યા હતા. માહિતી અનુસાર તેઓ શુક્રવારે ઉત્તર-પૂર્વના સૌથી મોટા રાજ્ય આસામની મુલાકાતે જશે. જ્યાં તેઓ 18 હજાર કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સ ભેટ કરશે.

પીએમ મોદી કાઝીરંગામાં રાત્રિ રોકાણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર એક પ્રભાવશાળી નેતા તરીકે ઉભર્યા નથી પરંતુ તેઓ પર્યટન પ્રમોશનમાં મોટા મોટા બ્રાન્ડ એમ્બેસેડરને ટક્કર આપી રહ્યાં છે. લક્ષદ્વીપને પ્રમોટ કરીને માલદીવને હચમચાવી નાખવું હોય કે પછી દ્વારકામાં દરિયાની નીચે દર્શન કરીને ત્યાંના પ્રવાસનને પ્રોત્સાહન આપવું. હવે પીએમ નરેન્દ્ર મોદી કાઝીરંગા નેશનલ પાર્કને પ્રમોટ કરતા જોવા મળશે.મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી શુક્રવારે સાંજે તેજપુર એરપોર્ટ પર ઉતરશે અને ત્યારબાદ કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વ જશે અને ત્યાં રાત વિતાવશે.

PM મોદી સવારે 5:30 વાગ્યે જીપ અને હાથી દ્વારા સફારી કરશે
એક બાજુ નરેન્દ્ર મોદી રાજકારણમાં વિપક્ષી નેતાઓને ટક્કર આપી રહ્યાં છે અને બીજી બાજુ પર્યટનના પ્રચારમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહ્યા છે.તેઓ ભારતીય પર્યટનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે.આવું કહેવું ખોટું નહીં હોય.મુખ્યમંત્રી સરમાએ કહ્યું કે પીએમ શનિવારે સવારે નેશનલ પાર્કની મુલાકાત લેશે અને કાઝીરંગાની સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય કરાવશે. માહિતી અનુસાર પીએમ મોદી શનિવારે સવારે 5.30 વાગ્યે જીપ દ્વારા હાથી સફારી કરશે.

પીએમ મોદી અરુણાચલ પ્રદેશની પણ મુલાકાત લેશે
પીએમ મોદી નવનિર્મિત તિનસુકિયા મેડિકલનું ઉદ્ઘાટન કરશે અને શિવસાગર જિલ્લામાં નિર્માણ થનારી મેડિકલ કોલેજનો શિલાન્યાસ કરશે.પીએમ મોદી ગુવાહાટી રિફાઈનરી અને ડિગબોઈ રિફાઈનરીના વિસ્તરણ પ્રોજેક્ટ્સનો પણ શુભારંભ કરશે. જેની કિંમત અનુક્રમે રૂ. 510 કરોડ અને રૂ. 768 કરોડ હશે. વધુમાં પીએમ મોદી બરૌનીથી ગુવાહાટી સુધીના રૂ. 3,992 કરોડના પાઈપલાઈન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે અને વડાપ્રધાન મોદી શનિવારે અરુણાચલ પ્રદેશમાં પણ એક કાર્યક્રમ યોજાશે.