PHOTOS: PM મોદીએ હાથી પર બેસીને ફોટોગ્રાફી કરતા જોવા મળ્યા
PM Modi Assam Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જંગલ સફારી માટે આસામના કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા.અહીં તેણે જીપમાંથી કાઝીરંગાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. આ પછી પીએમે હાથી પર સવારી પણ કરી હતી.તેમની મુલાકાત સાથે જોડાયેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પીએમ મોદી જંગલ સફારીની મજા માણી રહ્યાં છે. વડાપ્રધાન અહીં નેશનલ પાર્કની સુરક્ષા માટે તૈનાત પોલીસકર્મીઓને પણ મળ્યા હતા.
વડાપ્રધાન મોદીએ શનિવારે સવારે આસામના કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં હાથી અને જીપ પર સફારી કરી હતી. પીએમ મોદીએ કાઝીરંગા નેશનલ પાર્કની સુંદરતાને પણ પોતાના કેમેરામાં કેદ કરી હતી.
યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ હેરિટેજ સાઈટની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ પાર્કની ‘સેન્ટ્રલ કોહોરા રેન્જ’ના મિહિમુખ વિસ્તારમાં હાથી પર સવારી કરી હતી અને ત્યારબાદ જીપમાં સફારી કરી હતી.
પીએમ મોદી કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથીઓને સંભાળતા મહાવતોને પણ મળ્યા હતા.
સફારી દરમિયાન પીએમ મોદીએ કાઝીરંગાની મહિલા વન રક્ષકોની ટીમ ‘વન દુર્ગા’ના સભ્યોને પણ મળ્યા હતા. આ ટીમે નેશનલ પાર્કમાં વન્યજીવોના સંરક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવી છે.