December 27, 2024

વાયનાડમાં ભૂસ્ખલન સ્થળની મુલાકાત બાદ પીડિતોને પીએમ મોદીએ આપ્યું આશ્વાસન

વાયનાડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે કેરળ પહોંચી વાયનાડના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું અને રાહત અને પુનર્વસનના કાર્યોની સમીક્ષા કરી. બાદમાં પીએમ મોદી વાયનાડના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોનું જમીની નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા અને દુર્ઘટના સ્થળે જઈને માહિતી મેળવી હતી.

વાયનાડના ભૂસ્ખલન પ્રભાવિત વિસ્તારોની સ્થળ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ચાલી રહેલા ઈવેક્યુએશન ઓપરેશનને લઈને રેસ્ક્યૂ ટીમ પાસે માહિતી મેળવી હતો. વધુમાં તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલો સાથે પણ મુલાકાત કરી હતી.

કેરળના પહાડી જિલ્લામાં 30 જુલાઈના રોજ આવેલ ભૂસ્ખલનમાં 400 થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. વાયનાડ ભૂસ્ખલનને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા અને અસરગ્રસ્ત લોકો માટે વળતર વધારવાની વિપક્ષની માંગ વચ્ચે પીએમ મોદી વાયનાડ પહોંચ્યા હતા.

ત્યારબાદ, વડાપ્રધાન રાહત શિબિરોમાં જશે જ્યાં ભૂસ્ખલનથી પ્રભાવિત લોકો હાલ આશરો આપવામાં આવ્યો છે. પીએમ અસરગ્રસ્ત લોકો સાથે વાત કરશે અને તેમની સમસ્યાઓ જાણશે.

 

બાદમાં વડાપ્રધાન સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે જ્યાં તેમને આ કુદરતી આપત્તિ અને ચાલી રહેલા રાહત પ્રયાસો વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે. અગાઉ, લોકસભામાં વિપક્ષના નેતા અને વાયનાડના ભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ ઘાતક ભૂસ્ખલન બાદ વિસ્તારની મુલાકાત લેવાનું નક્કી કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે એવી આશા પણ વ્યક્ત કરી હતી કે તેમની મુલાકાત પછી વડાપ્રધાન વાયનાડ ભૂસ્ખલનને ‘રાષ્ટ્રીય આપત્તિ’ તરીકે જાહેર કરશે.