PM મોદીએ પૂરની સ્થિતિ પર CM સ્ટાલિન સાથે કરી વાત, તમિલનાડુને શક્ય તમામ મદદની આપી ખાતરી
Cyclone Fengal: ચક્રવાતી તોફાન ‘ફેંગલ’એ તમિલનાડુમાં ભારે તબાહી મચાવી છે. વાવાઝોડાને કારણે ભારે વરસાદ અને પૂરના કારણે રાજ્યમાં ભારે નુકસાન થયું છે અને અકસ્માતમાં ઘણા લોકોના મોત પણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં આપત્તિ અને ત્યાંની સ્થિતિને લઈને મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સાથે વાત કરી છે. પીએમ મોદીએ રાજ્યને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
સરકાર સાથે સંકળાયેલા સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે પીએમ મોદીએ મંગળવારે મુખ્યમંત્રી સ્ટાલિન સાથે વાત કરી અને રાજ્યના ઘણા ભાગોમાં વિનાશક પૂરની સ્થિતિ વિશે માહિતી મેળવી. તેમણે સ્ટાલિનને કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદ અને સમર્થનની ખાતરી પણ આપી હતી. તામિલનાડુના ઉત્તરીય પ્રદેશમાં આવેલા વિલ્લુપુરમ જિલ્લામાં સોમવારે ભારેથી અતિ ભારે વરસાદને પગલે અભૂતપૂર્વ પૂર આવ્યું હતું. પુલ અને રસ્તાઓ પાણીમાં ડૂબી જવાથી ઘણા ગામો અને રહેણાંક વસાહતોમાં પ્રવેશ ખોરવાઈ ગયો હતો. હજારો એકરમાં ઊભો પાક પણ ડૂબી ગયો હતો. તિરુવન્નામલાઈમાં આજે એક ઘરમાંથી પાંચ મૃતદેહો મળી આવ્યા હતા જે 1 ડિસેમ્બરની રાત્રે વરસાદ દરમિયાન માટીની સ્લાઇડ અને પહાડીની ટોચ પરથી આવતા એક વિશાળ પથ્થરથી કચડાઈ ગયા હતા.
આ પણ વાંચો: ‘અમે ઈન્દિરાને નથી છોડ્યા, હવે તમારો વારો…’, બાગેશ્વર બાબાને મળી ધમકી
આ પહેલા સોમવારે મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું હતું કે ચક્રવાતી તોફાન ફેંગલે રાજ્યમાં મોટા પાયે તબાહી મચાવી છે. તેમણે પીએમ મોદીને તાત્કાલિક રૂ. 2,000 કરોડની વચગાળાની રાહત આપવા વિનંતી પણ કરી હતી. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર દ્વારા આ રકમનો ઉપયોગ ક્ષતિગ્રસ્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આજીવિકાના કામચલાઉ પુનઃસ્થાપન માટે કરવામાં આવશે.