December 26, 2024

કૌભાંડમાં નોકરી ગુમાવનારા શિક્ષકો માટે ભાજપ કાનૂની સેલ બનાવશે: PM મોદી

PM Modi in Bengal: વડાપ્રધાન મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના બર્ધમાન-દુર્ગાપુરમાં રેલીને સંબોધી હતી. રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, બંગાળ ભાજપ એક અલગ લીગલ સેલ બનાવશે, જે સ્કૂલ સર્વિસ કમિશન કૌભાંડમાં નોકરી ગુમાવનારા સાચા શિક્ષકોને કાયદાકીય મદદ પૂરી પાડશે. વડાપ્રધાને કહ્યું કે તેઓ ઈચ્છે છે કે ટીએમસી દ્વારા કરવામાં આવેલા કૌભાંડમાં સામેલ લોકોને સજા મળવી જોઈએ, પરંતુ તેઓ ઈચ્છતા નથી કે કોઈ નિર્દોષ વ્યક્તિ આના કારણે ભોગ બને.

પીએમ મોદીએ કહી આ વાત
વડા પ્રધાને કહ્યું કે ‘બંગાળમાં ટીએમસીએ શાળાઓમાં શિક્ષકોની ભરતીમાં કૌભાંડ કર્યું છે, જે ખૂબ જ શરમજનક છે. આ કૌભાંડના કારણે ઘણા લાયક અને સાચા ઉમેદવારોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મેં બીજેપીના બંગાળ યુનિટને પાર્ટી વતી અલગ લીગલ સેલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવવા માટે કહ્યું છે, જેથી લાયક શિક્ષકોની મદદ મળી શકે. વડાપ્રધાને કહ્યું કે ‘ભાજપ પ્રામાણિક ઉમેદવારોને સમર્થન આપશે અને તેમના માટે લડશે. આ મોદીની ગેરંટી છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીની રાયબરેલીની ઉમેદવારી પર PM મોદીએ કહ્યું, ‘ડરો નહીં, ભાગશો નહીં’

હાઇકોર્ટે ભરતી પ્રક્રિયા રદ કરી હતી
ગયા અઠવાડિયે જ, કલકત્તા હાઈકોર્ટે તેના એક આદેશમાં રાજ્ય સ્તરીય ચૂંટણી પરીક્ષણ-2016 (SLST)ની પસંદગી પ્રક્રિયાને ખોટી ગણાવી હતી અને તેને નાબૂદ કરવાનો આદેશ આપ્યો હતો. આ હેઠળ પસંદ કરાયેલા 26 હજાર લોકોએ નોકરી ગુમાવી છે. હાઇકોર્ટે ભરતી પ્રક્રિયા પુન: શરૂ કરવા આદેશ કર્યો છે. TMC નેતા કુણાલ ઘોષે ખુલાસો કર્યો છે કે પાર્ટીના ઘણા મોટા નેતાઓ પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ વિશે પહેલાથી જ જાણતા હતા. તેમણે કહ્યું કે પાર્ટીને ખબર હતી કે પાર્થ ચેટરજીના નામે પૈસા એકઠા કરવામાં આવી રહ્યા છે.

નોંધનીય છે કે, SSC દ્વારા શિક્ષકોની ભરતીની પ્રક્રિયા વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. ત્યારે પાર્થ ચેટર્જી શિક્ષણ મંત્રી હતા. તેની ભરતી પ્રક્રિયા વર્ષ 2016માં શરૂ થઈ હતી. જો કે, ઘણા અરજદારોએ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો આક્ષેપ કર્યો હતો અને હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેની તપાસ મે 2022માં સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈએ આ કૌભાંડમાં તત્કાલિન શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જી અને તેમના નજીકના સહયોગી અર્પિતા મુખર્જીની ધરપકડ કરી હતી.