June 29, 2024

પશ્વિમ બંગાળ ટ્રેન અકસ્માત પર PM મોદીએ શોક વ્યક્ત કર્યો, વળતરની જાહેરાત

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં આજે સવારે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. અહીં રંગપાની સ્ટેશન પાસે એક માલગાડીએ પાછળથી આવતી કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને ટક્કર મારી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા હેન્ડલ X પર ટ્વીટ કર્યું છે કે પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના દુઃખદ છે. તેમના પ્રિયજનોને ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના.

પીએમ મોદીએ પ્રાર્થના કરી છે કે ઘાયલ લોકો જલદી સાજા થાય. તેમણે એમ પણ કહ્યું છે કે તેમણે આ ઘટના અંગે અધિકારીઓ સાથે વાત કરી છે અને પરિસ્થિતિ અંગે માહિતી મેળવી છે. પીએમએ વળતરની પણ જાહેરાત કરી છે. ટ્રેન દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને PMNRF તરફથી 2 લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. તેમણે કહ્યું છે કે અસરગ્રસ્ત લોકોની મદદ માટે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ અકસ્માત સ્થળે પહોંચી રહ્યા છે.

8 લોકોના મોત, 25 ઘાયલ
અથડામણ કેટલી ગંભીર હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનની પાછળની ત્રણ બોગીને ખરાબ રીતે નુકસાન થયું હતું. એક બોગી બીજી બોગી ઉપર આવીને હવામાં લટકી ગઈ. બીજી બોગી ટ્રેક પર પલટી ગયેલી જોવા મળી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ ત્રણ બોગીને દુર્ઘટનામાં સૌથી વધુ નુકસાન થયું છે. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે. જ્યારે 25 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મૃત્યુઆંક ડબલ ડિજિટ સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે. રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ ચાલુ છે

બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું?
આ દુર્ઘટના પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, દાર્જિલિંગ જિલ્લાના ફણસીદેવાથી એક દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે માહિતી મળી છે. મને આઘાત લાગ્યો છે. જો કે સંપૂર્ણ માહિતીની રાહ જોવાઈ રહી છે, પરંતુ કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન સાથે માલગાડી અથડાઈ છે. બચાવ અને તબીબી સહાય માટે ટીમો ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ડીએમ અને એસપીને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.

અશ્વિની વૈષ્ણવે પણ શોક વ્યક્ત કર્યો હતો
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે NFR વિસ્તારમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો છે. બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. રેલ્વે, NDRF અને SDRF ગાઢ સંકલનમાં કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.