December 23, 2024

PM મોદી આજે ઝારખંડના પ્રવાસે, જમશેદપુરમાં 6 વંદે ભારત ટ્રેનને બતાવી લીલી ઝંડી

Jharkhand: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડના પ્રવાસે છે. તેમણે ઝારખંડને ભારત એક્સપ્રેસ ટ્રેન ભેટમાં આપી. જમશેદપુરમાં તેમણે છ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવી હતી. આ પછી તેમણે વર્ચ્યુઅલ રીતે જનસભાને સંબોધી હતી. હવે PM મોદીનો રોડ શો જમશેદપુરમાં નહીં થાય. ભારે વરસાદને કારણે તેને રદ કરવામાં આવ્યો છે. પીએમ મોદીનો રોડ શો બિસ્તુપુરથી ગોપાલ મેદાન સુધી થવાનો હતો.

ઝારખંડના પૂર્વ સીએમ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેમણે કહ્યું કે જમશેદપુરમાં સતત ભારે વરસાદને કારણે પીએમ મોદીના કાર્યક્રમોમાં સામેલ રોડ શોનો કાર્યક્રમ હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે. આ સિવાય પીએમ મોદી ટાટાનગરમાં 660 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની વિવિધ રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.

અમે ઝારખંડના ઝડપી વિકાસ માટે સંકલ્પબદ્ધ છીએ
ઝારખંડની મુલાકાત પહેલાં પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે અમે ઝારખંડના ઝડપી વિકાસ માટે સંકલ્પબદ્ધ છીએ. આજે ટાટાનગરમાં સવારે લગભગ 10 વાગે, છ ‘વંદે ભારત’ પ્રોજેક્ટને લીલી ઝંડી બતાવવાની સાથે અન્ય ઘણા પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને ઉદ્ઘાટનનો લહાવો પણ મળશે. આ ઉપરાંત હું પીએમ આવાસ યોજના-ગ્રામીણના લાભાર્થીઓને લગતા કાર્યક્રમનો પણ ભાગ બનીશ.

6 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે
ટાટાનગર-પટના
ભાગલપુર-દુમકા-હાવડા
બ્રહ્મપુર – ટાટાનગર
ગયા – હાવડા
દેવઘર- વારાણસી
રાઉરકેલા – હાવડા

આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવાથી નિયમિત મુસાફરો, કામદારો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે. આ ટ્રેનો દેવઘરમાં બૈદ્યનાથ ધામ વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર, કોલકાતામાં કાલીઘાટ, બેલુર મઠ વગેરે જેવા તીર્થસ્થળો માટે હાઇ-સ્પીડ પરિવહન પ્રદાન કરીને પ્રદેશમાં ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપશે.

આ સિવાય ધનબાદમાં કોલ માઈનિંગ ઈન્ડસ્ટ્રી, કોલકાતામાં જ્યુટ ઈન્ડસ્ટ્રી, દુર્ગાપુરમાં લોખંડ અને સ્ટીલ સંબંધિત ઈન્ડસ્ટ્રીને પણ મોટો વેગ મળશે. PM મોદી ઝારખંડના 20 હજાર પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) લાભાર્થીઓને મંજૂરી પત્રો આપશે. તે લાભાર્થીઓને સહાયનો પ્રથમ હપ્તો જાહેર કરશે. વડાપ્રધાન 46 હજાર લાભાર્થીઓના હાઉસ વોર્મિંગ સેરેમનીમાં પણ ભાગ લેશે.

આ પણ વાંચો: કાશ્મીરમાં 3 આતંકીઓ ઠાર, સેના અને આતંકવાદીઓની અથડામણમાં થઈ ઘરની આવી સ્થિતિ

ટાટાનગરમાં આ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ
દેવઘરમાં માધુપુર બાયપાસ લાઇન અને હજારીબાગ જિલ્લામાં હજારીબાગ ટાઉન કોચિંગ ડેપોનો શિલાન્યાસ કરશે.
તેઓ કુરકુરા-કાનારોન ડબલિંગ પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે જે બાંદામુંડા-રાંચી સિંગલ લાઇન વિભાગનો ભાગ છે.
PM મોદી સામાન્ય લોકોની સુરક્ષા વધારવા માટે 04 રોડ અન્ડર બ્રિજ (RUBs) પણ રાષ્ટ્રને સમર્પિત કરશે.