December 23, 2024

PM મોદી ચેસ ઓલિમ્પિયાડ વિજેતાઓને મળ્યા, ગોલ્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

PM Modi meets Chess Olympiad winners: ભારત પુરૂષ અને મહિલા ચેસ ઓલિમ્પિયાડમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે, જે 97 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. આ ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેવા ગયેલી ભારતની પુરૂષ અને મહિલા બંને ટીમના ખેલાડીઓ 25 સપ્ટેમ્બર, બુધવારના રોજ સ્વદેશ પરત ફર્યા હતા, ત્યારબાદ PM નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતેના તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને તેમને આ મોટી સિદ્ધિ બદલ તેમને અભિનંદન આપ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ તમામ ખેલાડીઓ સાથે વાત કરી અને તેમની સાથે તસવીરો પણ ખેંચાવી હતી. ANI દ્વારા જાહેર કરાયેલા વીડિયોમાં પીએમ મોદીની સામે અર્જુન એરિગેસી અને આર. પ્રજ્ઞાનંદે પણ એક મેચ રમી હતી.

આ ખેલાડીઓ પીએમ મોદીને મળ્યા હતા
ભારત તરફથી, હંગેરીના બુડાપેસ્ટ શહેરમાં 10 સપ્ટેમ્બરથી શરૂ થયેલી 45મી ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય મહિલા ટીમમાં ડી હરિકા, દિવ્યા દેશમુખ, વંતિકા અગ્રવાલ, તાનિયા સચદેવા અને વૈશાલી રમેશબાબુ પીએમ મોદીને મળ્યા હતા. જ્યારે પુરુષ ટીમમાં આર. પ્રગનાનંદ, અર્જુન એરિગાસી, ડી. ગુકેશ, હરિકૃષ્ણ પંતાલા અને વિદિત ગુજરાતીને મળ્યા હતા. આ ટુર્નામેન્ટમાં ભારતીય પુરૂષ ટીમનું એકતરફી પ્રદર્શન જોવા મળ્યું જેમાં તેણે પોતાની પહેલું સ્થાન મેળવ્યું અને 10મા રાઉન્ડ પછી ગોલ્ડ જીત્યો હતો, જ્યારે મહિલા ટીમે 11મા રાઉન્ડમાં પોતાનો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશન (FIDE) એ 1927માં સત્તાવાર રીતે ચેસ ઓલિમ્પિયાડનું આયોજન કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લી વખત ભારતે આ ટુર્નામેન્ટનું આયોજન વર્ષ 2022માં કર્યું હતું અને તેનું આયોજન ચેન્નાઈમાં કરવામાં આવ્યું હતું. ભારત આ વખતે ચેસ ઓલિમ્પિયાડની ઓપન ટીમ ટુર્નામેન્ટમાં અજેય રહ્યો, જેમાં 10 મેચ જીતી અને એક મેચ ડ્રો કરી.