December 24, 2024

PM મોદીએ 3 નવી વંદે ભારત ટ્રેનોને બતાવી લીલી ઝંડી, કહ્યું – આ આધુનિક ભારતીય રેલવેનો નવો ચહેરો

Vande Bharat: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​3 નવી વંદે ભારત ટ્રેનોને વર્ચ્યુઅલ રીતે લીલી ઝંડી બતાવી હતી. આ ત્રણ નવી વંદે ભારત ટ્રેન કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોને જોડશે. તેમાંથી પ્રથમ વંદે ભારત ટ્રેન ચેન્નાઈ સેન્ટ્રલથી નાગરકોઈલ, બીજી મદુરાઈથી બેંગ્લોર કેન્ટ અને ત્રીજી મેરઠ સિટી-લખનૌ જશે.

લીલી ઝંડી બતાવતી વખતે પીએમ મોદીએ કહ્યું, ‘વંદે ભારત ટ્રેનો શરૂ થઈ ત્યારથી આ ટ્રેનો જ્યાં પણ દોડે છે ત્યાં પર્યટનમાં ઉછાળો નોંધાયો છે. આનાથી સ્થાનિક વ્યવસાયોને વેગ મળ્યો છે અને રોજગારીની નવી તકો ઊભી થઈ છે. આ સિદ્ધિ માટે હું નાગરિકોને અભિનંદન આપું છું.

વંદે ભારત આધુનિક ભારતીય રેલ્વેનો નવો ચહેરો
પીએમ મોદીએ કહ્યું કે આજે યુપી અને ખાસ કરીને પશ્ચિમ યુપીના લોકોને પણ મેરઠ-લખનૌ રૂટ પર વંદે ભારત ટ્રેન દ્વારા સારા સમાચાર મળ્યા છે. મેરઠ અને પશ્ચિમ યુપી ક્રાંતિની ભૂમિ છે. આજે આ વિસ્તાર વિકાસની નવી ક્રાંતિનો સાક્ષી બની રહ્યો છે. વંદે ભારત આધુનિક ભારતીય રેલ્વેનો નવો ચહેરો છે.

દેશભરમાં 102 વંદે ભારત ટ્રેન દોડી રહી છે
આ સાથે તેમણે કહ્યું કે આજે શહેરમાં અને દરેક રૂટ પર વંદે ભારતની માંગ છે. હાઈ-સ્પીડ ટ્રેનોના આગમન સાથે લોકોને તેમના વ્યવસાય, રોજગાર અને તેમના સપનાને વિસ્તારવા માટે આત્મવિશ્વાસ મળે છે. આજે દેશભરમાં 102 વંદે ભારત રેલ સેવાઓ ચાલી રહી છે.

દક્ષિણના રાજ્યોનો ઝડપી વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે- PM મોદી
PMએ કહ્યું, ‘વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે દક્ષિણના રાજ્યોનો ઝડપી વિકાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દક્ષિણ ભારતમાં અપાર પ્રતિભા, અપાર સંસાધનો અને તકો છે. તેથી તમિલનાડુ અને કર્ણાટક સહિત સમગ્ર દક્ષિણનો વિકાસ અમારી સરકારની પ્રાથમિકતા છે.