March 4, 2025

PM મોદીએ ગીરમાં નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની 7મી બેઠકની અધ્યક્ષતા કરી

ગીર-સમોનાથ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી. નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફ દ્વારા વન્યપ્રાણી સંરક્ષણમાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ પહેલોની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં નવા સંરક્ષિત વિસ્તારો અને પ્રોજેક્ટ ટાઇગર, પ્રોજેક્ટ એલિફન્ટ, પ્રોજેક્ટ સ્નો લેપર્ડ જેવા પ્રજાતિઓ-વિશિષ્ટ ફ્લેગશિપ કાર્યક્રમોના નિર્માણમાં ઉપલબ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. બોર્ડે ડોલ્ફિન અને એશિયાઇ સિંહો માટે સંરક્ષણના પ્રયાસો અને આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ એલાયન્સની સ્થાપના અંગે પણ ચર્ચા કરી હતી.

આ બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ દેશમાં સૌપ્રથમ વાર હાથ ધરવામાં આવેલા રિવરિન ડોલ્ફિન અંદાજનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં કુલ 6,327 ડોલ્ફિન હોવાનો અંદાજ છે. આ પથપ્રદર્શક પ્રયાસમાં આઠ રાજ્યોની 28 નદીઓના સર્વેક્ષણનો સમાવેશ થતો હતો. જેમાં 3150 માનવદિવસો 8,500 કિલોમીટરને આવરી લેવા માટે સમર્પિત કરવામાં આવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ સંખ્યા નોંધાઈ છે. ત્યાર બાદ બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામનો નંબર આવે છે.

પ્રધાનમંત્રીએ આ વિસ્તારોમાં સ્થાનિક લોકો અને ગ્રામજનોને સામેલ કરીને ડોલ્ફિનનાં સંરક્ષણ પર જાગૃતિ લાવવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ડોલ્ફિનના રહેઠાણના વિસ્તારોમાં શાળાના બાળકોની એક્સપોઝર વિઝિટ યોજવાની સલાહ પણ આપી હતી.

પ્રધાનમંત્રીએ જૂનાગઢમાં વન્યજીવન માટેનાં રાષ્ટ્રીય રેફરલ સેન્ટરનું શિલારોપણ પણ કર્યું હતું. જે વન્યજીવ સ્વાસ્થ્ય અને રોગ વ્યવસ્થાપન સાથે સંબંધિત વિવિધ પાસાઓનાં સંકલન અને શાસન માટેનાં કેન્દ્ર તરીકે કામ કરશે.

એશિયાટિક સિંહોની વસ્તીનો અંદાજ દર પાંચ વર્ષે એકવાર કરવામાં આવે છે. આવી છેલ્લી કવાયત 2020માં હાથ ધરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ વર્ષ 2025માં સિંહ આકલનનું 16મું ચક્ર શરૂ કરવાની જાહેરાત કરી હતી.

એશિયાઇ સિંહોએ હવે કુદરતી વિસર્જન મારફતે બરડા વન્યજીવન અભયારણ્યને પોતાનું ઘર બનાવ્યું છે તે બાબતને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, બરડામાં સિંહ સંરક્ષણને શિકાર સંવર્ધન અને અન્ય રહેઠાણ સુધારણાનાં પ્રયાસો મારફતે ટેકો મળશે. વન્યજીવોના નિવાસસ્થાનોના વિકાસ અને સંરક્ષણ માટેના સાધન તરીકે ઇકો-ટૂરિઝમના મહત્વ પર ભાર મૂકીને તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વન્યજીવ પ્રવાસન માટે મુસાફરીમાં સરળતા અને કનેક્ટિવિટી હોવી જોઈએ.

માનવ-વન્યજીવન સંઘર્ષના અસરકારક વ્યવસ્થાપન માટે પ્રધાનમંત્રીએ કોઇમ્બતૂરમાં સાકોન (સલીમ અલી સેન્ટર ફોર ઓર્નિથોલોજી એન્ડ નેચરલ હિસ્ટ્રી) ખાતે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા- કેમ્પસમાં સેન્ટર ઑફ એક્સલન્સ સ્થાપિત કરવાની જાહેરાત કરી હતી. આ કેન્દ્ર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રેપિડ રિસ્પોન્સ ટીમને અદ્યતન ટેકનોલોજી, ટ્રેકિંગ, પૂર્વચેતવણી માટેના ગેજેટ્સથી સજ્જ કરવા માટે પણ ટેકો આપશે. માનવ-વન્યજીવ સંઘર્ષના હોટસ્પોટ્સમાં સર્વેલન્સ અને ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ્સ સૂચવે છે; અને સંઘર્ષ નિવારણનાં પગલાંને અમલમાં મૂકવા માટે ફિલ્ડ પ્રેક્ટિશનર્સ અને સમુદાયની ક્ષમતાનું નિર્માણ કરશે.

પ્રધાનમંત્રીએ જંગલોમાં લાગેલી આગ અને માનવ-પશુ સંઘર્ષ જેવા મુદ્દાઓનો સામનો કરવા રિમોટ સેન્સિંગ અને જીઓસ્પેશ્યલ મેપિંગ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે માનવ-વન્યજીવ સંઘર્ષના પડકારને પહોંચી વળવા ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક્સ (બીઆઇએસએજી-એન) સાથે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને જોડવાનું સૂચન કર્યું હતું.

ખાસ કરીને અતિ સંવેદનશીલ સંરક્ષિત વિસ્તારોમાં, આગાહી, શોધ, નિવારણ અને નિયંત્રણ પર ધ્યાન કેન્દ્રિત કરીને જંગલમાં લાગેલી આગની દેખરેખ અને વ્યવસ્થાપનને વધારવા માટે પ્રધાનમંત્રીએ અંતરિક્ષ ટેકનોલોજીનાં ઉપયોગ મારફતે ભારતીય વન સર્વેક્ષણ, દહેરાદૂન અને બીઆઈએસએજી-એન વચ્ચે જોડાણની સલાહ આપી હતી.

પ્રધાનમંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે, ચીતાની રજૂઆતનું વિસ્તરણ અન્ય વિસ્તારોમાં કરવામાં આવશે, જેમાં મધ્યપ્રદેશમાં ગાંધીસાગર અભયારણ્ય અને ગુજરાતમાં બન્ની ઘાસનાં મેદાનો સામેલ છે.

પ્રધાનમંત્રીએ વાઘ અભયારણ્યની બહાર વાઘના સંરક્ષણ પર કેન્દ્રિત એક યોજનાની જાહેરાત કરી હતી. આ પહેલનો ઉદ્દેશ સ્થાનિક સમુદાયો સાથે સહ-અસ્તિત્વને સુનિશ્ચિત કરીને આ અનામતોની બહારના વિસ્તારોમાં માનવ-વાઘ અને અન્ય સહ-શિકારી સંઘર્ષોને દૂર કરવાનો છે.

ઘરિયાલની ઘટતી જતી વસતિને અને ઘરિયાલનાં સંરક્ષણને સુનિશ્ચિત કરવાનાં દૃષ્ટિકોણને માન્યતા આપીને પ્રધાનમંત્રીએ તેમનાં સંરક્ષણ માટે ઘરિયાલ પર નવો પ્રોજેક્ટ શરૂ કરવાની પણ જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડની જાળવણી માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. સંરક્ષણના પ્રયાસોને વધારવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમણે નેશનલ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ કન્ઝર્વેશન એક્શન પ્લાનની જાહેરાત કરી હતી.

સમીક્ષા બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ બોર્ડ અને પર્યાવરણ મંત્રાલયને સંશોધન અને વિકાસ માટે જંગલો અને વન્યજીવોના સંરક્ષણ અને વ્યવસ્થાપનના સંબંધમાં ભારતના વિવિધ પ્રદેશોના પરંપરાગત જ્ઞાન અને હસ્તપ્રતો એકત્રિત કરવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ વન્યજીવ સંરક્ષણ વ્યૂહરચના અને મંત્રાલય માટે ભવિષ્યની કામગીરીનો રોડમેપ તૈયાર કર્યો હતો તથા ભારતીય સ્લોથ બેર, ઘરિયાલ અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના સંરક્ષણ અને વિકાસ પર કામ કરવા વિવિધ ટાસ્ક ફોર્સની રચના કરવા પણ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ગીર સિંહ અને ચિત્તાના સંરક્ષણની સારી સફળતાની ગાથા છે. તેમણે કહ્યું કે આ પરંપરાગત જ્ઞાનનું દસ્તાવેજીકરણ અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોમાં ઉપયોગ માટે એઆઈની સહાયથી થવું જોઈએ.

પ્રધાનમંત્રીએ વન્ય પ્રાણીઓની યાયાવર પ્રજાતિઓના સંરક્ષણ પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલન (સીએમએસ) અંતર્ગત સંકલન એકમમાં સહયોગ વધારવા માટે પણ સૂચન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ સંરક્ષણમાં સ્થાનિક સમુદાયોની સક્રિય ભાગીદારીની પ્રશંસા કરી હતી, ખાસ કરીને સામુદાયિક અનામતોની સ્થાપના મારફતે. છેલ્લા એક દાયકામાં, ભારતમાં સામુદાયિક અનામતની સંખ્યામાં છ ગણો વધારો જોવા મળ્યો છે. તેમણે વન્યજીવ સંરક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિત અત્યાધુનિક ટેકનોલોજીનાં ઉપયોગનાં મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ વન વિસ્તારોમાં ઔષધીય વનસ્પતિઓના સંશોધન અને દસ્તાવેજીકરણ પર પણ સલાહ આપી હતી, જે પશુ સ્વાસ્થ્ય વ્યવસ્થાપનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે વૈશ્વિક સ્તરે પ્રાણીઓના આરોગ્ય વ્યવસ્થાપન માટે છોડ આધારિત દવા પ્રણાલીના ઉપયોગને પ્રોત્સાહન આપવાની સંભાવનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

બેઠક પછી, પ્રધાનમંત્રીએ ફ્રન્ટલાઈન વન કર્મચારીઓની ગતિશીલતા વધારવા માટેની મોટરસાયકલોને પણ લીલી ઝંડી આપી હતી. તેમણે ગીરમાં ફિલ્ડ લેવલના કાર્યકર્તાઓ સાથે પણ વાતચીત કરી હતી, જેમાં ફ્રન્ટલાઈન સ્ટાફ, ઈકો ગાઈડ અને ટ્રેકર્સ સામેલ હતા.