પીએમ મોદીએ નવા બ્રિટિશ પીએમને કર્યો ફોન, FTAને લઈને કરી ચર્ચા
India-UK Relations: PM નરેન્દ્ર મોદીએ શનિવારે કીર સ્ટાર્મર સાથે ફોન પર વાત કરી અને તેમને બ્રિટનના પ્રધાનમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળવા અને લેબર પાર્ટીની જીત બદલ અભિનંદન પાઠવ્યા. બંને નેતાઓએ ઐતિહાસિક ભારત-યુકે સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાને લઈને ચર્ચા કરી હતી.
બ્રિટનમાં ભારતીય સમુદાયની કરી પ્રશંસા
પીએમ મોદી અને બ્રિટનના પ્રધાનમંત્રીએ ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ( India UK FTA)ને વહેલી તકે પૂર્ણ કરવા માટે કામ કરવા સહમત થયા. વડાપ્રધાન મોદીએ તેમને ભારતની મુલાકાત કરવા માટે આમંત્રણ પણ આપ્યું. બ્રિટનના સામાજિક, આર્થિક અને રાજકીય વિકાસમાં ભારતીય સમુદાયના સકારાત્મક યોગદાનની પ્રશંસા કરતાં બંને નેતાઓએ બંને દેશોના લોકોના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સહમત થયા. બંને પક્ષો ભવિષ્યમાં સંપર્કમાં રહેવા સંમત થયા હતા.
હાઉસ ઓફ કૉમન્સમાં લેબર પાર્ટીએ જીતી 400થી વધુ બેઠકો
તાજેતરમાં સંપન્ન થયેલ સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીએ જીત મેળવીને 14 વર્ષ પછી સત્તામાં પરત આવી છે. લેબર પાર્ટીએ 650 બેઠકો ધરાવતા હાઉસ ઓફ કૉમન્સમાં 412 બેઠકો જીતીને બહુમતી મેળવી છે. પૂર્વ પ્રધાનમંત્રી ઋષિ સુનકની આગેવાની વાળી કન્ઝર્વેટિવ પાર્ટી 118 સીટો પર જ સમેટાઇ ગઈ હતી. તો, લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટીએ 71 બેઠકો જીતી હતી. સુનકે 23,059 મતો સાથે ઉત્તરી ઈંગ્લેન્ડમાં પોતાની બેઠક જીતી લીધી હતી. 2019ની સામાન્ય ચૂંટણીમાં, બોરિસ જોન્સનના નેતૃત્વમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ 365 બેઠકો જીતી હતી. જ્યારે લેબર પાર્ટીને 202 બેઠકો મળી હતી.