December 23, 2024

PM મોદીની સૌથી વ્યસ્ત વિદેશ યાત્રા, 5 દિવસમાં વિશ્વના 31 નેતાઓ અને સંસ્થાઓના વડાઓ સાથે વાતચીત

PM Modi Foreign Trip: આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 3 દેશોની 5 દિવસીય મુલાકાત સૌથી મહત્વપૂર્ણ, વ્યસ્ત અને સફળ રહી છે. પીએમ મોદીએ આ 5 દિવસમાં નાઈજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાની મુલાકાત લીધી હતી. પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ વિશ્વના 31 નેતાઓ અને સંસ્થાઓના વડાઓ સાથે મુલાકાત કરી હતી. આ પ્રવાસ દરમિયાન તેમને નાઈજીરીયા, ગુયાના અને ડોમિનિકા દ્વારા તેમના દેશના સર્વોચ્ચ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. પીએમ મોદીના આંતરરાષ્ટ્રીય પુરસ્કારોની સંખ્યા 20 થઈ ગઈ છે.

આ મુલાકાતમાં પીએમ મોદીની મજબૂત કૂટનીતિની અસર પણ છુપાયેલી છે. નાઈજીરિયા બાદ તેઓ સીધા જ G-20 બેઠકમાં ભાગ લેવા માટે બ્રાઝિલના રિયો ડી જાનેરો ગયા હતા. ત્યારબાદ તેમની છેલ્લી મુલાકાત ગુયાનાની હતી જ્યાં તેમણે બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટમાં હાજરી આપી હતી. તેમની 5 દિવસની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ વિદેશી નેતાઓ સાથે શ્રેણીબદ્ધ દ્વિપક્ષીય બેઠકો યોજી હતી.

નાઇજીરીયામાં પ્રથમ દ્વિપક્ષીય બેઠક
પીએમ મોદીનો પ્રવાસ નાઈજીરિયાથી શરૂ થયો હતો. તેથી તેમણે નાઈજીરિયામાં તેમની પ્રથમ દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ પછી, બ્રાઝિલમાં G20 સમિટ દરમિયાન 10 દેશો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજાઈ હતી. અહીંથી તેઓ ગુયાનાના પ્રવાસે નીકળ્યા, જ્યાં ભારત-કેરીકોમ સમિટમાં ભાગ લેવા ઉપરાંત, પીએમ મોદીએ 9 દેશોના વડાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી.

આ દેશોના નેતાઓ સાથે ભારતના સંબંધોને મજબૂત બનાવ્યા
PM મોદીએ G-20 સમિટ દરમિયાન રિયો ડી જાનેરોમાં બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, પોર્ટુગલ, ઇટાલી, નોર્વે, ફ્રાન્સ, યુકે, ચિલી, આર્જેન્ટિના અને ઓસ્ટ્રેલિયાના નેતાઓ સાથે કુલ 10 દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. બ્રાઝિલમાં થયેલી 10 દ્વિપક્ષીય બેઠકોમાંથી પીએમ મોદીએ પહેલીવાર 5 નેતાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી. જેમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો, પોર્ટુગલના વડા પ્રધાન લુઇસ મોન્ટેનેગ્રો, યુકેના વડા પ્રધાન કીર સ્ટારમર, ચિલીના પ્રમુખ ગેબ્રિયલ બોરિક અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મેલીનો સમાવેશ થાય છે.