PM મોદી અને શી જિનપિંગ બ્રિક્સ સમિટની દ્વિપક્ષીય મંત્રણા કરશે: વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી

BRICS Summit: PM મોદી બુધવારે રશિયાના કાઝાનમાં બ્રિક્સ સમિટની બાજુમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. પાંચ વર્ષ બાદ બંને નેતાઓ વચ્ચે આ પહેલી ઔપચારિક મુલાકાત હશે. મંગળવારે સાંજે કઝાનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ આ વાતની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે બંને દેશોના વડાઓ વચ્ચેની આ બેઠક બ્રિક્સ સમિટના અવસર પર થશે. મિસ્ત્રીએ કહ્યું કે દ્વિપક્ષીય બેઠકનો સમય આવતીકાલે નક્કી કરવામાં આવશે.

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગને લઈને ભારત અને ચીન વચ્ચે નવી સમજૂતી કરવામાં આવ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી છે. નોંધનીય છે કે, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ ગઈ કાલે એક નિવેદનમાં કહ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં એલએસી પર ભારત અને ચીન ડેમચોક અને ડેપસાંગથી તેમના સૈન્યને હટાવવા અને પહેલાની જેમ ફરીથી આ વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવા માટે સંમત થયા છે. તેમણે કહ્યું હતું કે બંને દેશોની સેનાએ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે અને આગામી દિવસોમાં સૈનિકો હટાવવાની પ્રક્રિયા પણ શરૂ થશે.