55 જિલ્લાઓમાં PM કોલેજ ઓફ એક્સેલન્સનો વર્ચ્યુઅલ શુભારંભ, અમિત શાહે ઈન્દોરને આપ્યા અભિનંદન
PM College of Excellence: મધ્ય પ્રદેશને શિક્ષણ ક્ષેત્રે મોટી ભેટ મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્ય પ્રદેશના 55 જિલ્લાઓમાં PM કોલેજ ઓફ એક્સેલન્સનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું છે. તેમણે કહ્યું કે ઈન્દોર શિક્ષણનું હબ બનવાની દિશામાં તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.
જણાવી દઈએ કે અટલ બિહારી વાજપેયી ગવર્નમેન્ટ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહની સાથે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પણ ભાગ લીધો હતો. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, પ્રાઇમ મિનિસ્ટર કોલેજ ઓફ એક્સેલન્સ દ્વારા મધ્યપ્રદેશના 55 જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે નવી ભેટ આપવામાં આવી રહી છે. હું મધ્યપ્રદેશના તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું. આપણે મુંબઈને દેશની આર્થિક રાજધાની માનીએ છીએ, તે જ રીતે ઈન્દોર મધ્યપ્રદેશની આર્થિક રાજધાની છે. એ આનંદની વાત છે કે ઈન્દોર એજ્યુકેશન હબ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહે વધુમાં કહ્યું કે નવી શિક્ષણ નીતિ સમગ્ર દેશમાં સૌપ્રથમ મધ્યપ્રદેશમાં લાગુ કરવામાં આવી છે. હું આ મહત્વપૂર્ણ પગલા માટે મધ્યપ્રદેશ સરકારને અભિનંદન આપવા માંગુ છું. મધ્યપ્રદેશમાં માતૃભાષા હિન્દીમાં એન્જિનિયરિંગ અને તબીબી અભ્યાસ માટેનો અભ્યાસક્રમ લાગુ કરવામાં આવ્યો હતો. આજે મારા માટે આનંદની વાત છે કે પુણ્યશ્લોક દેવી અહલ્યાબાઈની નગરી ઈન્દોરમાં ‘એક ઝાડ માં ના નામે’ અભિયાન અંતર્ગત એક દિવસમાં 11 લાખથી વધુ છોડનું વૃક્ષારોપણ કરીને વિશ્વ વિક્રમ સર્જાયો છે. પીએમ નરેન્દ્ર મોદીનું સપનું છે કે આઝાદીના 100 વર્ષ પૂરા થવા પર આપણું ભારત દરેક ક્ષેત્રમાં અગ્રેસર બને. વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે, મોદી સરકારે સૌ પ્રથમ નવી શિક્ષણ નીતિ લાવવાનું કામ કર્યું છે, જે વિદ્યાર્થીઓને આપણી પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડવાનું કામ કરશે.
ઉલ્લેખનીય છે કે, પીએમ કોલેજ ઓફ એક્સેલન્સ લાઇબ્રેરી, લેબ ઉપકરણોથી લઈને રમતગમતની સુવિધાઓથી સજ્જ હશે. મધ્ય પ્રદેશના તમામ 55 જિલ્લાઓમાં પીએમ કોલેજ ઓફ એક્સેલન્સ માટે રૂપિયા 486 કરોડ ફાળવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે એક્સેલન્સ કોલેજોની ખાસિયત એ હશે કે આ કોલેજો તમામ સંસાધનોથી સજ્જ હશે. તેની સાથે જ નવી શિક્ષણ નીતિ મુજબ અહી તમામ પ્રકારના કોર્સ ઉપળબ્દ હશે. 2232 નવી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. તેના માટે કેન્દ્ર સરકાર તરફથી વાર્ષિક 150 કરોડ રૂપિયા ફાળવવાની ભેટ આપવામાં આવી છે. આ 55 પીએમ એક્સેલન્સ કોલેજોમાં 1845 શૈક્ષણિક, 387 વર્ગ 3 અને 4ની પોસ્ટ ઊભી કરવામાં આવશે.