February 7, 2025

અમદાવાદમાં કરોડો રૂપિયાનો પ્લોટ વિદેશમાં રહેતા માલિકની જાણ બહાર વેચી દેવાયો

મિહિર સોની, અમદાવાદ: કરોડો રૂપિયાનો પ્લોટ વિદેશમાં રહેતા માલિકની જાણ બહાર વેચી દેવાનો કિસ્સો સામે આવ્યો છે. પ્લોટ માલિકના નામે ખોટા ડિકલેરેશન તૈયાર કરી બોગસ દસ્તાવેજ ઉભો કરી નામ ટ્રાન્સફર કરાવ્યું. સોલા પોલીસે સ્ટર્લીંગ ગ્રીનવુડ લિમિટેડમાં મેનેજિંગ ડિરેક્ટર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.

ઓગણજ પાસે આવેલ એક પ્લોટ વિદેશમાં રહેતા માલિકની જાણ બહાર બોગસ દસ્તાવેજોના આધારે પ્લોટ વેચી દીધો હોવાની સોલામાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં ફરિયાદી રાજેશ સીતારામ ઝા ફિનલેન્ડ ખાતે રહે છે. વર્ષ 2010માં ઓગણજના ગાર્ડન સિટી વિભાગ -1 સોસાયટીનો બી – 15 નંબરનો પ્લોટ ખરીદ્યો હતો. જે બાદ વિદેશ સ્થાયી થઈ ગયા હતા. સોસાયટી હાલ ઓગણજ પાર્ક પ્લોટ ઓનર્સ એસોસિએશન કંપની હસ્તે હતી. જેથી પ્લોટ પર સ્ટર્લીંગ ગ્રીનવુડ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભરત લેખીની દાનત બગડી હતી. જેથી આરોપી ભરતએ તેના સાથી કર્મી કંપનીમાં કામ કરતા પટ્ટાવાળા રાજેશ પટેલ, કિશોર ગુપ્તા અને મનું રાજપૂત સાથે મળીને ખોટા વેચાણ કરાર બનાવીને શેર સર્ટિમાં નામ બદલીને છેતરપીંડી કરી છે. સોલા પોલીસે આરોપી કિશોર ગુપ્તા, રાજેશ પટેલ અને ભરત લેખી ધરપકડ કરી છે.

પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે ફરીયાદી પ્લોટના માલિક રાજેશ ઝા અને પત્ની નામ કલ્પનાબેન ખોટો પાવર આરોપી મનું રાજપૂત પોતાની પાસે લીધો અને પોતે વર્ષ 2010ની સાલમાં નોટરાઈઝ વેચાણ કરાર કમ કબ્જા કરેલ હોય જેનો ઉપયોગ વર્ષ 2024માં કરી પોતાના નામે રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કર્યું અને તે દિવસે જ સહ આરોપી કિશોર ગુપ્તાને રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપ્યો. જે બાદ આરોપી ભરતએ શેર સર્ટિમાં મકાન માલિક નામ કાઢીને મનું રાજપૂત તથા બાદમાં કિશોર ગુપ્તા નામ ગેરકાયદેસર શેર ટ્રાન્સફર કરી આપ્યું હતું.

સ્ટર્લીંગ ગ્રીનવુડ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભરત લેખીએ પ્લોટ માલિકનું બોગસ ડેકલેરેશન બનાવ્યું હતું અને આરોપી કિશોર ગુપ્તા વેચાણ દસ્તાવેજમાં જણાવેલ એક પણ ચેક મનુ રાજપુતને નહીં આપી દસ્તાવેજમાં માત્ર ચેકની વિગતો ખોટી દર્શાવી હતી..જે ચેક પણ પોલીસે કબજે કર્યા છે ત્યારે વોન્ટેડ આરોપી મનું રાજપૂતને પકડવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.