IPLમાં કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા ખેલાડીઓ, ચીયરલીડર્સ ગાયબ…પહલગામ હુમલા બાદ મોટા ફેરફારો

SRH vs MI Match: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે, પરંતુ આ મેચમાં ખેલાડીઓ અને અમ્પાયરો કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા. હકિકતે, આ નિર્ણય પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ લેવામાં આવ્યો છે. પહલગામમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

4 મોટા ફેરફારો કરવામાં આવ્યા
આ મેચને લઇને BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) દ્વારા ચાર મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સૌથી પહેલા, અમ્પાયરો અને ખેલાડીઓ IPL મેચો દરમિયાન કાળી પટ્ટી પહેરીને હુમલાના પીડિતો પ્રત્યે શોક વ્યક્ત કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે અને આજે હૈદરાબાદ અને મુંબઈ વચ્ચેની મેચ દરમિયાન અસરગ્રસ્ત લોકોને શ્રદ્ધાંજલિ આપશે. બીજી વાત એ છે કે મેચ શરૂ થાય તે પહેલાં એક મિનિટનું મૌન પાળવામાં આવશે. ત્રીજી વાત એ છે કે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ માટે મેદાન પર કોઈ ચીયરલીડર્સ નહીં હોય. ચોથી વાત એ છે કે આ મેચમાં કોઈ ફટાકડા નહીં ફોડવામાં આવે. એકંદરે બધા સરળતા નિયમોનું પાલન કરવામાં આવશે.