બોટાદમાં PGVCLનું એક્શન, 97 ધાર્મિક સ્થળોએ કરશે અંડરગ્રાઉન્ડ કેબલિંગ
ભોથા શેખલીયા, બોટાદ: રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં થયેલ અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એલર્ટ મોડમાં છે. ત્યારે, સૌથી વધુ માનવ મહેરામણ ઉમટી પડે તેવી 97 જેટલી ધાર્મિક જગ્યાઓમાં PGVCL દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ હાથ ધરાયું છે. આ 97 સ્થળો પૈકી બોટાદના સાળંગપુર મંદિર, ગઢડા સ્વામિનારાયણ મંદિર અને પાળિયાદ વિહળનાથની જગ્યાનો સમાવેશ થાય છે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ના અધિકારી કે. ડી. નીનામા દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે બોટાદ જિલ્લા PGVCL ટીમ દ્વારા અંદાજિત 1 કરોડ 61 લાખના ખર્ચે અંડર ગ્રાઉન્ડ કેબલિંગનું કામ શરૂ થયું છે. અંદાજિત 30 લાખ રૂપિયાનો ખર્ચ કરી અંદાજિત ૨૦ ટકા જેવી કામગીરી પૂર્ણ થઈ છે. બોટાદ જિલ્લામાં વિવિધ ધાર્મિક સ્થળો પૈકી માનવ મેરામણ ઉમટી પડતા હોય છે. ત્યારે, થાંભલા ઉપરના વીજ વાયર તૂટવાની કે શોર્ટ સર્કિટ થવાની સંભાવના વધુ હોય છે. જે મોટું અકસ્માત સર્જી શકે છે ત્યારે આવી સુરક્ષિત વીજ કનેક્શન વ્યવસ્થા યાત્રિકો માટે સુરક્ષા કવચ સાબિત શકે છે.