અકસ્માત બાદ યુવાનોને બ્લડ ન મળ્યું તો આ ગામના લોકો દર વર્ષે કરવા લાગ્યા બ્લડ ડોનેટ
અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ગીર સોમનાથના કડોદરા ગામે બ્લડ ડોનેશન કેમ્પ આયોજન કરાયું હતું. કડોદરા ગામે પાછલા કેટલાક વર્ષમાં ગામના 11 જેટલા યુવાનોના અકાળે અવસાન થયા હતા. અને અકસ્માતે મોતને ભેટેલા આ યુવાનો પૈકી કેટલાક યુવાનોને સમયસર બ્લડ ના મળતા મૃત્યુ થયું હતું. આથી સમસ્ત ગામ લોકોએ એવું નક્કી કર્યું કે, દર વર્ષે આપણા ગામમાં બ્લડ ડોનેશન કેમ્પ કરવો અને વિવિધ બ્લડ બેન્કોને રક્તદાન કરવું. જેથી રક્તના વાંકે કોઈનો જીવ ન જાય.
રક્તદાન એ મહાદાન છે. એ ઉક્તિને ચરિતાર્થ કરતું કાર્ય આજે ગીર સોમનાથ કોડીનાર તાલુકાના કડોદરા ગામના લોકોએ સાર્થક કર્યું હતું. આજથી સાતેક વર્ષ પહેલાં આ ગામના 11 જેટલા યુવાનોના અકાળે અવસાન થયા હતા. આ યુવાનોની યાદમાં ગામ લોકોએ આજથી સાતેક વર્ષ પહેલાં સાથે મળી ગામના કોમ્યુનિટી હોલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જે સતત 7 મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
શિબિરમાં સવારે 8થી બપોરે 12 સુધીમાં ગામના 125 જેટલા યુવાનોએ પોતાના રક્તનું દાન કર્યું અને સાંજ સુધીમાં 200થી વધુ ગ્રામજનો રક્તદાન કરી પોતાના ગામના સ્વર્ગવાસી યુવાનોને શ્રદ્ધાંજલિ આપશે. આ રક્ત એકઠું કરવા માટે રાજકોટ નાથાણી બ્લડ બેંકના નિષ્ણાંતોએ સેવા આપી હતી. અને એકઠી થયેલ તમામ બોટલ રક્ત રાજકોટ સ્થિત બ્લડ બેંકે લઇ જવાશે. અને જરૂરિયાતમંદ પેશન્ટને પૂરતી ચકાસણી બાદ આપવામાં આવશે.