ગોધરાના ખાડી ફળિયાની જનતા ગટરના દૂષિત પાણી વચ્ચે જીવવા મજબૂર

દશરથસિંહ પરમાર, પંચમહાલ: પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના ખાડી ફળિયા અને આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરના દૂષિત પાણી અને વરસાદી પાણી ભરાયા જતા અસહ્ય દુર્ગંધ સાથે રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે અહીંના રહીશો રહેવા મજબુર બન્યા છે. ત્યારે, બીજી તરફ પીવાના શુદ્ધ પાણી માટે અહીંના રહીશો તરસી રહ્યા છે. નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી ઓછા ફોર્સથી આવતું હોવાથી રહીશોએ જમીનમાં ખાડો ખોદી કુંડી બનાવી છે. જેમાંથી નાના વાસણથી પાણી ભરવા મજબુર બન્યા છે. ત્યારે અહીંના સ્થાનિકો પીવાના શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
ગોધરા શહેરના ચિત્રા ખાડી ફળિયા વિસ્તારમાં રહેતાં શ્રમજીવી પરિવારોની હાલત ખૂબ જ દયનિય હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. દિવસભર મહેનત કરી જીવનનિર્વાહ ચલાવતાં પરિવારોને પીવા માટેના પાણી ભરવા માટે ખૂબ જ અગવડતાનો સામનો કરવો પડે છે. અહીં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પીવાનું પાણી ઓછા ફોર્સથી આવતું હોવાથી રહીશોએ જમીનમાં ખાડો ખોદી કુંડી બનાવી છે. જેમાંથી નાના વાસણથી પાણી ભરવું પડે છે. અહીં રહેતા કેટલાક શ્રમજીવી પાસે પાણી ખેંચવા માટે મોટર નહિ હોવાથી રહીશોને ફરજિયાત આ પરિસ્થિતિ માંથી પસાર થવું પડે છે.
એક તરફ દૂષિત પાણી નિકાલની ગટર અને બીજી બાજુ પીવાનું પાણી ભરવાની લાઇન હોવાથી ખૂબ જ ગંભીર કહી શકાય એવી પરિસ્થિતિનો રહીશો સામનો કરી રહ્યા છે. સરકાર એક તરફ નલ સે જલ યોજનામાં કરોડો રૂપિયા ખર્ચ કરી ઘર ઘર સુધી નળ વડે પાણી પહોંચાડવા મથી રહી છે. ત્યારે અહીં શહેરી વિસ્તારમાં જોવા મળતા દ્રશ્યોથી પાણીનું મૂલ્ય જરૂર સમજાય જાય એમ છે. અહીંના સ્થાનિક રહીશો અને મહિલાઓના જણાવ્યા મુજબ અહીંયા અઠવાડીયામાં એક બે દિવસ પાણી આવતું હોય છે તે પણ દૂષિત આવે છે અને અહીંની નગરપાલિકા પીવાનું શુદ્ધ પાણી આપવા માટે નિષ્ફળ પુરવાર સાબિત થયું છે. અહીંના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી ઘણું જ ડહોળું અને દૂષિત આવી રહ્યું છે.
ખાસ કરીને ચોમાસામાં ત્યારે આ દૂષિત પાણી પીવાથી લોકો અને નાના બાળકો પાણી જન્ય બીમારીનો ભોગ બની રહ્યા છે. સાથે જ આ પાણી પીવા તેમજ જમવાનું બનાવવા માં ઉપયોગ કરવાથી બાળકો અને પરિવારના સભ્યો બીમારી નો ભોગ બની રહ્યા છે. ત્યારે કોઈ પણ વ્યક્તિ પહેલી નજરમાં મહિલાઓને પાણી ભરતાં નિહાળે તો ચોક્કસ એ પાણી પીવા માટે ઇનકાર કરી દે પરંતુ શ્રમિક પરિવારની મજબૂરીના દ્રશ્યો માટે કોઈ જ શબ્દો નથી જેથી સંલગ્ન જવાબદારોએ આ દિશામાં વિચારે અને આ વિસ્તારમાં યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવે એ જરૂરી છે. સાથેજ ખાડી ફળિયા અર્બન હેલ્થ ના તબીબે જણાવ્યુ છે કે, અહીંયા નાના બાળકોમાં સરદી ખાંસી અને ઝાડા ઉલટીના દર્દીઓ આવી રહ્યા છે ત્યારે તબીબ દ્વારા પણ વિસ્તારની પરિસ્થિતિ જોતા દર્દીઓ તેમજ તેમના પરિવાર જનોને તકેદારી રાખવા સાથે પાણીમાં ક્લોરીન ટેબ્લેટ નાખી પાણી પીવા માટે ઉપયોગમાં લેવું તેમજ ઉકાળીને ઠંડુ કરીને પાણી ઉપયોગમાં લેવા સલાહ સૂચનો આપવામાં આવે છે.