July 3, 2024

પાવાગઢમાં જૈન મૂર્તિઓ ખંડિત કરવા મામલે રોષ, યોગ્ય કાર્યવાહી કરવાની માગ

સુરતઃ પાવાગઢ પર્વત પર કેટલીક જૈન તીર્થંકરોની મૂર્તિઓ તોડવા મામલે જૈન સમાજમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ સુરતના જૈન સમાજે કલેક્ટર કચેરીએ ધરણાં શરૂ કરી દીધા હતા. ગઈકાલે મોડી રાતથી જ સુરતની કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ભેગા થયા હતા અને આ મામલે ઉગ્ર આંદોલનની શરૂઆત કરી હતી.

જૈન સમાજના લોકો કલેક્ટર કચેરીએ એકઠાં થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. જૈન સાધુઓએ પણ સાથે કલેક્ટર કચેરીએ હાજર રહીને રજૂઆત કરી હતી. આ ઉપરાંત યોગ્ય કાર્યવાહી કરવા માટે જૈન સમાજે માગણી કરી છે.

જૈન મુનિ જણાવે છે કે, વર્ષોથી એ પ્રતિમા ત્યાં રક્ષાયેલી હતી. તેની સાથે અમારી લાગણી જોડાયેલી છે. અને હવે અમે માગણી કરી રહ્યા છીએ કે યોગ્ય કાર્યવાહી થાય. અમને આ ઘટનાથી સખત આઘાત લાગ્યો છે.

જૈન સમાજના એક વ્યક્તિ જણાવે છે કે, ‘તીર્થંકરની મૂર્તિઓ ખંડિત કરી છે લાગણી દુભાઈ છે. તાત્કાલિક એ તમામ મૂર્તિઓને ફરીથી પુનઃ સ્થાપિત કરવામાં આવે. જ્યાં સુધી અમારી માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન કરીશું.’ મહત્વનું છે કે, મોટી સંખ્યામાં જૈન મુનિઓ પણ આ આંદોલનમાં જોડાયા છે.

જૈન મુનિ આંદોલન વિશે માહિતી આપતા જણાવે છે કે, ‘અમે મહાવીર સ્વામીના રસ્તે ચાલનારા લોકો છીએ. જેમણે પણ આ કાર્ય કર્યું છે ભગવાન એમને સદ્બુદ્ધિ આપે. ભગવાનનું અપમાન સહન કરી લઈએ તો અમે ધર્મને દ્રોહિત કરીએ છીએ એમ ગણાય. અમારું શાંતિપૂર્ણ આંદોલન છે. અમારે હિંસા કે અશાંતિનો રસ્તો લેવો નથી. આ મામલે ઠેર ઠેર રજૂઆત થઈ છે. અનેક શહેરોમાં જૈનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં.’