મોરબીમાં પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા પાટીદાર સમાજના યુવાનો
મોરબી: પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન બદલ રાજ્યના ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોષ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પરશોત્તમ રૂપાલાનાને રાજકોટથી લોકસભાની ટિકિટ આપવામાં આવી છે તેને રદ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આ દરમિયાન હવે પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજના યુવાના આગળ આવ્યા છે.
પરશોત્તમ રૂપાલાના સપોર્ટમાં સોશિયલ મીડિયામાં ‘અમો પરશોત્તમ રૂપાલા સાથે છીએ’ તેવી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. મોરબી ખાતે પાટીદાર સમાજના યુવકો દ્વારા રૂપાલાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ શરૂ થઈ છે. સોશિયલ મીડિયામાં સામે આવેલી પોસ્ટમાં પરશોત્તમ રૂપાલા વિશે લખવામાં આવ્યું છે કે,‘રૂપાલાજી, આપને સાંભાળવા માટે લોકો આતુર હોય છે. દર વખતે આપ કંઇક નવું શીખવો છો. ક્યારેક કોઇ ભૂલથી બોલાઇ જાય પરંતુ આપનો સ્વભાવ તે નથી તેમજ આપ ક્રિમિનલ કાર્ય નથી તે યાદ રાખીને માફ કરવું જોઇએ.’
અન્ય એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે,‘જાગો પાટીદાર જાગો. સમાજના પાટીદાર કદાવર રાજકીય આગેવાનોની સાથે ગેરવર્તન કરી રહ્યું છે, માફી માગ્યા પછી પણ આવું.’
આ પણ વાંચો: રાજપૂત સમાજ પર જો ખોટા કેસો થાય તો ક્ષત્રિય વકીલો ફ્રીમાં કેસ લડશે
આ પોસ્ટ પર કેટલાક યૂઝરો કોમેન્ટ પણ કરી રહ્યા છે. કોમેન્ટ બોક્સમાં કેટલાક યૂઝર કોમેન્ટ કરી લખી રહ્યા છે કે,‘પાર્ટીના કોઇક નેતા અંદરોઅંદર મોટા નેતાઓને સાફ કરી પોતાના માટે મુખ્યમંત્રીનું પદ તૈયાર કરતા લાગે છે હવે આપણે પણ રૂપાલા સાહેબને જંગી લીડથી જીતાડી પાર્ટી બહાર અને અંદરના લોકેને મોઢે સોલેટેપ મારવાનો સમય આવી ગયો છે.’
મનસુખ સુવાગીયા પરશોત્તમ રૂપાલાના સપોર્ટમાં
પરશોત્તમ રૂપાલા સામે વિરોધ વચ્ચે સામાજીક આગેવાનો એક્ટિવ થઇ ગયા છે. જલક્રાંતિ ટ્રસ્ટના અધ્યક્ષ મનસુખ સુવાગીયા પરશોત્તમ રૂપાલાના સપોર્ટમાં આવ્યા છે. મનસુખ સુવાગીયાએ પરશોત્તમ રૂપાલાના સપોર્ટમાં એક વીડિયો બનાવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, પરશોત્તમ રૂપાલાએ કૃષિ ક્ષેત્રે ખુબ જ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેમણે અંતરમનથી માફી માંગી છે માટે ક્ષત્રિય સમાજે તેમને મોટું મન રાખીને માફ કરી દેવા જોઇએ. પરશોત્તમ રૂપાલાને અમે 20 વર્ષથી જાણીએ છીએ. તેઓ રાજકોટમાં આવ્યા છે કારણ કે તેઓ વફાદાર, કર્મયોગી અને બુદ્ધિજીવી છે તેઓ સનાતન ધર્મ માટે સતત કામ કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે, હાલમાં જે લોકો પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે તેઓ પરોક્ષ રીતે મોદી સાહેબનો અને ભાજપ પક્ષનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધથી સામાજીક એક્તાને ડોળવામાં આવી રહી છે જે કલંકિત છે. પહેલા સંસ્કૃતિ અને દેશ છે જ્ઞાતિ તેના પછી છે. આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો છે અને આ પત્રમાં તેમણે દેશના મજબૂત નેતાને રાજકોટના ઉમેદવાર બનાવવા બદલ પીએઅ મોદીનો આભાર માન્યો છે.