ખાંભા ગીરના જૂનાગામની સરકારી શાળાની દયનીય સ્થિતિ, બાળકો માથે તોળાતું જોખમ
દશરથસિંહ રાઠોડ, અમરેલી: સરકારના સર્વશિક્ષા અભિયાન અંતર્ગત ‘સૌ ભણે સૌ આગળ વધે’ના સૂત્રોચ્ચારની વરવી વાસ્તવિકતા અમરેલી જિલ્લાના ખાંભાના જૂનાગામની પ્રાથમિક શાળામાં જોવા મળી રહી છે. શાળા જર્જરીત હોવાથી ધોરણ 1થી 5 વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. સ્લેબના પોપડા ખરી રહ્યા છે અને વરસાદના દિવસોમાં ઓરડામાં પાણી ટપકતું જોવા મળે છે.
અમરેલી જિલ્લાના ખાંભા ગીરના જુનાગામમાં આવેલ સરકારી પ્રાથિમક શાળા આવેલી છે. જેમાં સતત પડી રહેલા વરસાદના કારણે શાળાના બિલ્ડીંગની છતમાંથી વરસાદી પાણી ટપકી રહ્યું છે. છતમાં ગાબડા પડી ગયા છે. શાળાના ઓરડા જર્જરીત બની ગયા છે. જેના કારણે ક્લાસરૂમમાં પાણી ટપકવાના કારણે વિદ્યાર્થીઓને શાળાના બે ઓરડામાં બે-બે ધોરણને બેસાડીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓ પારાવાર પરેશાની વચ્ચે પણ ભણવાની મજબૂરી હોવાનું જણાવી રહ્યા છે.
સરકાર દ્વારા ગુજરાતના બાળકોના ભણતર પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યા છે. ત્યારે, ખાંભાના જુના ગામની જર્જરિત પ્રાથિમક શાળાની છત માંથી ટપકતા પાણીને કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ બગડી રહ્યો છે. આ શાળાના પ્રિન્સીપાલ દ્વારા અનેક વખતની લેખિત રજૂઆતો કર્યા બાદ પણ શાળાનું બિલ્ડીંગ બનાવવામાં આવતું નથી.
ખાંભાના જુનાગામની પ્રાથિમક શાળામાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જર્જરીત બની ગયેલી શાળામાં સ્લેબમાંથી પોપડા પડવાના ભય વચ્ચે વિદ્યાર્થીઓને જીવના જોખમ પર અભ્યાસ કરવો પડે છે અને ચોમાસામાં શાળાના ઓરડામાં પાણી ટપકી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓની આ તકલીફમાંથી ક્યારે છુટકારો મળશે તેવા સવાલો ઉઠી રહ્યા છે અને જુના ગામ પ્રાથમિક શાળા નવી બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિક વિદ્યાર્થીઓ અને વાલીઓ માંગ કરી રહ્યા હતા.