January 30, 2025

સિદ્ધપુર GIDCમાંથી નકલી તેલની ફેક્ટરીમાં SOGની રેડ, 20 લાખનો મુદ્દામાલ જપ્ત

ભાવેશ ભોજક, સિદ્ધપુરઃ જીઆઇડીસીમાં આવેલી મેટ્રો ઓઇલ એન્ડ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ નામની તેલની ફેક્ટરીમાં એસઓજી પોલીસે રેડ કરી 20.31 લાખની કિંમતના શંકાસ્પદ તેલના જથ્થા સાથે ત્રણને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ બાબતે પાટણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેલનો જથ્થો સીઝ કર્યો હતો. એસઓજી પોલીસે આ મામલે ત્રણની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપી ફરાર છે.

પાટણ શહેર સહિત જિલ્લામાં સામાન્ય લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા બનાવટી અને ભેળસેળયુક્ત શંકાસ્પદ ઘી, વિવિધ બ્રાન્ડના તેલના જથ્થાઓ ઝડપાઈ રહ્યા છે. તે છતાં ફૂડ એન્ટેક્ષ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતી ન આવતાં ભેળસેળિયા તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે. ત્યારે પાટણ એસ.ઓ.જી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સિદ્ધપુર જીઆઇડીસીના પ્લોટ નંબર 133, 134 અને 135માં મેટ્રો ઓઇલ એન્ડ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ નામની તેલ ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં શંકાસ્પદ તેલનો જથ્થો તૈયાર કરવામાં આવે છે. જે આધારે પોલીસે ફેક્ટરીમાં રેડ કરતા પ્રાથમિક દ્રષ્ટિએ એક જ બ્રાન્ડનો શંકાસ્પદ તેલનો મોટો જથ્થો મળી આવતા ચોકી ઉઠ્યા હતા.

આ દરમિયાન ફેક્ટરીમાં તપાસ કરતા શંકાસ્પદ તેલ ભરેલ નાની મોટી ચાર ટાંકીઓમાં 11.65 લાખની કિંમતનું 10,500 લીટર તેલ, 4.56 લાખની કિંમતના 262 ડબ્બા, 90,240ની કિંમતના બે લીટરના પ્લાસ્ટિકના 400 નંગ, 1.76 લાખની કિંમતના પાંચ લીટરના પ્લાસ્ટિકના 311 કેન, 45760ની કિંમતની 1 લિટરની પ્લાસ્ટિકની બોટલો નંગ 416, 37400ની કિંમતની 500 મિલીની 680 બોટલો, રૂપિયા 60800ની વિટામિન ભરેલી 1 લિટરની એલ્યુમિનિયમની 76 બોટલો મળી કુલ 20.31 લાખનો મુદામાલ જપ્ત કરી સ્થળ પરથી ભરત રમેશભાઈ મોદી, મંગાજી ચેલાજી ઠાકોર, સંદીપ મનુભાઈ રાવળને ઝડપી લીધા હતા. જ્યારે પરેશગીરી ગોસ્વામી વિરુદ્ધ સિદ્ધપુર મથકે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.