December 23, 2024

પાટણમાં કરોડોના ખર્ચે બનેલી આયુર્વેદિક હોસ્પિટલ બની ખંડેર, માલસામાન પણ ચોરાઈ ગયાં!

ભાવેશ ભોજક, પાટણઃ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના દેથળી ગામે રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને આરોગ્યલક્ષી આયુર્વેદની સુવિધાઓ વિનામૂલ્ય મળી રહે તેવા હેતુથી કરોડો રૂપિયાના ખર્ચે આયુર્વેદિક હોસ્પિટલ ઊભી કરી છે. આ હોસ્પિટલનું બિલ્ડિંગ બન્યા બાદ તેનું પઝેશન જે-તે વિભાગ દ્વારા સ્વીકારમાં આવ્યું ન હોવાથી છેલ્લા ઘણાં વર્ષોથી આ હોસ્પિટલ દર્દીઓની સારવાર માટે શરૂ થઈ શકી નથી. જેને કારણે હાલમાં આ હોસ્પિટલનું બિલ્ડિંગ એક ભૂતિયા મહેલની જેમ ખંડેર બની રહેવા પામ્યું છે.

એલોપેથિક દવાઓની સાથે સાથે લોકોને આયુર્વેદિક દવાઓથી સારવાર મળી રહે અને મોંઘીદાટ એલોપેથિક દવાઓનાં બદલે ઋષિમુનિઓના પ્રાચીન કાળથી ચાલી આવતી આયુર્વેદિક પદ્ધતિ અપનાવી આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરી લોકો દર્દમુક્ત બની નિરોગી જીવન જીવી શકે તેવા આશય સાથે રાજ્ય સરકાર દ્વારા પાટણ જિલ્લાવાસીઓને આયુર્વેદિક સારવાર મળી રહે તે માટે વર્ષ 2013માં 18 કરોડના ખર્ચે 15 વીઘાની વિશાળ જગ્યામાં સિદ્ધપુર તાલુકાના દેથળી ગામ નજીક અદ્યતન સુવિધાઓ સાથેની આયુર્વેદિક હોસ્પિટલના બિલ્ડિંગનું નિર્માણ કર્યું હતું.

આ પણ વાંચોઃ લંપટ સ્વામીઓનો સુરતમાં વિરોધ, મહિલાએ કહ્યું – આવા સાધુઓને દૂર કરો

આ બિલ્ડિંગ તૈયાર થયા બાદ પ્રથમ ગ્રાસે જ મક્ષિકાની જેમ કોઈ કારણોસર આ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સેવાઓ શરૂ કરવામાં આવી નહોતી. સમય જતા આ હોસ્પિટલ બિલ્ડિંગ દિન પ્રતિદિન ખંડેર બની છે. હાલમાં બિલ્ડિંગમાં ગંદકી, ઝાડી-ઝાંખરા, બારી-બારણાં તૂટેલા અન્ય માલ સામાન ચોરાઈ ગયા છે. સરકારી અધિકારીઓ દ્વારા આ બિલ્ડિંગની વર્ષો સુધી કોઈ દરકાર કે સારસંભાળ લેવામાં ન આવતા ભૂતિયા મહેલની જેમ આ બિલ્ડિંગ હાલ ખંડેર બનવા પામ્યું છે.

દેથળી ગામ નજીક આયુર્વેદિક હોસ્પિટલનું બિલ્ડિંગ ઝાડીઓ વચ્ચે ખંડેર હાલતમાં ઊભું છે. બિલ્ડિંગમાં પ્રવેશતાંની સાથે ચારે તરફ ગંદકી અને તમામ વસ્તુઓ તૂટેલી જોવા મળી રહી છે. પ્રવેશ માટે કોઈ દરવાજો ન હોવાથી બિલ્ડિંગ રામ ભરોસે ઉભું છે. પાયાનાં પિલ્લરોમાં મોટી તિરાડો પડતા જર્જરિત બન્યાં છે. સીડીઓનાં પગથિયાં તૂટેલા છે. તો બીજી તરફ બિલ્ડિંગમાં ફ્લોરિંગ અને સાઈડની દીવાલોની ટાઇલ્સો પણ તૂટીને નીચે પડેલી છે. હોસ્પિટલમાં બાંધકામ દરમિયાન રૂમના દરવાજા-બારીઓ શોચાલયમાં લોખંડના પંપ, પાઇપલાઇન તેમજ સમગ્ર કેમ્પસમાં લાઈટ ફિટીંગ, પંખા, બલ્બ, સ્વીચ બોર્ડ વગેરે લગાવ્યાં હતા. હોસ્પિટલ શરૂ ન થતા તમામ વસ્તુઓ ચોરાઈ ગઈ છે. માત્ર હાલ સિમેન્ટનું બાંધકામ સિવાય કંઈ પણ મટિરિયલ કે ફર્નિચર હયાત નથી. અવાવરું જગ્યા વચ્ચે આ આયુર્વેદિક હોસ્પિટલ જાણે આ સામાજિક પ્રવૃત્તિઓ કરવા માટેનો અડ્ડો હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ લોરેન્સ બિશ્નોઈનો કથિત વીડિયો વાયરલ, સાબરમતી જેલમાંથી પાકિસ્તાન વીડિયો કોલ કર્યો

10 વર્ષ અગાઉ પ્રજાની આરોગ્યલક્ષી સેવાઓની કાળજી લેવા સરકાર દ્વારા 18 કરોડના ખર્ચે આયુર્વેદિક હોસ્પિટલ બનાવવામાં આવી હતી. પરંતુ પ્રજાની સેવાનો ઉદ્દેશ્ય સાર્થક થયો નથી. 18 કરોડ જેવી માતબર રકમ વ્યર્થ જતા અને આ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે સિદ્ધપુર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર વિકાસ પટેલે આ મામલે રાજ્યના મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ હોસ્પિટલમાં આરોગ્યલક્ષી સેવા શરૂ થાય તે માટે લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન મળતા વર્ષ 2021માં તેમણે નામદાર હાઇકોર્ટમાં રીટ-પિટિશન કરી હતી. તેની સુનાવણી દરમિયાન કોર્ટે આ સરકારી આયુર્વેદિક હોસ્પિટલનું સ્થળ નિરીક્ષણ કરાવી અહેવાલ મંગાવ્યો હતો. તે જોઈ વિદ્વાન ન્યાયાધીશ પણ ચોંકી ઉઠ્યા હતા અને કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ સરકારી બાબુઓની ઉદાસીનતાને કારણે ખંડેર બનેલી આ હોસ્પિટલ મામલે જવાબદારો પાસે કોર્ટે જવાબો માંગ્યા છે. જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

હાઇકોર્ટે આ જગ્યા પર ડેન્ટલ કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટયૂટ અને ડેન્ટલ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ શરૂ કરી હતી. સરકારી જમીનનો ઉપયોગ કરવા સૂચન કર્યું છે. આ સાથે જ આ ખંડેર બિલ્ડિંગના રીપેરીંગ માટે 3.54 કરોડનો ખર્ચ જે-તે જવાબદાર ડિપાર્ટમેન્ટ અને અધિકારીઓ પાસેથી વસૂલ કરવા સૂચન કરતા આરોગ્ય વિભાગ અને અધિકારીઓ દોડતા થયા છે. સિધ્ધપુરના સ્થાનિક રાજકારણના ગજગ્રાહ્મ આયુર્વેદિક હોસ્પિટલ શરૂ થઈ શકી નથી તે સમયે જય નારાયણ વ્યાસ ભાજપમાં હતા. જ્યારે બળવંતસિંહ રાજપૂત કોંગ્રેસમાં હતા. હાલમાં બંનેની સ્થિતિ બદલાઈ છે. સિદ્ધપુરમાં બે ધુરંધર રાજકીય વગ ધરાવતા નેતાઓ હોવા છતાં સ્થાનિક રાજકારણના આટાપાટામાં અટવાયેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં રજાલક્ષી આરોગ્યની સેવાઓ શરૂ થઈ શકી નથી જે સમગ્ર સિદ્ધપુર પંથકની પ્રજાની કમનસીબી છે.