December 22, 2024

સિદ્ધપુરની અનોખી પરંપરા, દશેરાના દિવસે મનાવે છે પતંગોત્સવ; જાણો કારણ

ભાવેશ ભોજક, પાટણઃ ઐતિહાસિક શહેર પાટણનો ઇતિહાસ રોચક અને લોકાર્ષક છે. સિદ્ધરાજ જયસિંહ એક પાત્ર એવું છે કે તે પ્રજાભિમુખ રહ્યા છે. પ્રજાલક્ષી કામો આજે 1200 વર્ષ પછી પણ ઇતિહાસના પાને કંડાયેલી છે. ત્યારે સિદ્ધરાજ જયસિંહ જ્યારે દેવલોક પામ્યા ત્યારે મકરસંક્રાંતિ તિથિનો દિવસ હોવાની લોકવાયકા છે અને તેને જ લઈ રાજા સિદ્ધરાજ જયસિંહની યાદમાં સિદ્ધપુરવાસીઓ ઉત્તરાયણ પર્વના દિવસે પતંગ ચગાવતા નથી. પતંગોત્સવની ઉજવણી દશેરાના દિવસે ઉજવે છે. આ પરંપરા છેલ્લા કેટલાક સમયથી લુપ્ત થવાના આરે છે, ત્યારે આ પરંપરાને જાળવી રાખવા સિદ્ધપુરના સિનિયર સિટીઝનો અને યુવાનોએ પહેલાં કરી સામુહિક રીતે પતંગ ચગાવી દશેરા પર્વની ઉજવણી કરી હતી.

દેશમાં મકરસંક્રાંતિ પર્વની ઉત્સાહ ઉમંગ સાથે ‘એ…ય… કાયપો છે’ના ગગનભેદી અવાજો વચ્ચે પતંગ પર્વ મનાવતા હોય છે. પરંતુ પ્રસિદ્ધ માતૃગયા તીર્થ સિદ્ધપુરમાં મકરસંક્રાંતિના દિવસે આકાશી પતંગોના પેચ સાથે આકાશી યુદ્ધ થતું નથી. કદાચ ગુજરાતમાં આ એક એવું શહેર છે કે અહીં દશેરાના દિવસે સિદ્ધપુરવાસીઓ પતંગ ચગાવે છે. આજના દશેરાના દિવસે સિદ્ધપુર શહેરમાં વર્ષો વર્ષથી નાના બાળકોથી લઈ યુવાઓ અને વયોવૃદ્ધ અબાલ સૌ કોઈ પતંગ ઉત્સવ ઉજવતા હતા. જો કે, સમયની સાથે હવે સિદ્ધપુરમાં પતંગનું મહત્વ ઓછું થતું ગયું છે. જેને લઈ દશેરાના દિવસની પતંગ ચગાવવાની પરંપરા જળવાઈ રહે તે માટે સદા બહાર ગ્રુપના સિનિયર સિટીઝનોએ ફરી એકવાર ઇતિહાસ જીવંત કરવા કમર કસી છે અને સમુહિક રીતે એક જ સ્થળે ભેગા થઈ પતંગ ચગાવ્યા હતા.

સિનિયર સિટીઝન દ્વારા સિદ્ધપુરમાં પતંગ ચગાવી સિદ્ધપુરની આજની યુવા પેઢીને મેસેજ આપ્યો હતો કે, જો તમે ઇતિહાસને જીવંત નહીં રાખો તો સમાજની પરંપરા તૂટી જશે અને ભૂતકાળ બની રહેશે. ત્યારે શહેરના બુજુર્ગોએ પરંપરા સચવાય તે માટે સામુહિક પતંગોત્સવ મનાવી રાજા વાત્સલ્ય પ્રજાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સિદ્ધપુરમાં સિનિયર સિટીઝન અને યુવાઓ દ્વારા હર્ષોલ્લાસ સાથે પતંગ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. દરેકે સાથે મળીને પતંગ ચગાવ્યા હતા તો ઉત્તરાયણ પર્વમાં ઉંધીયું, ફાફડા અને જલેબી ખાવાનું પણ અનેરૂં મહત્વ હોય છે. દરેકે ફાફડા જલેબીની લિજ્જત પણ માણી હતી.