પાટણના ચોરમાર પુરામાં કરોડોના ખર્ચે બનેલા ST બસ સ્ટેન્ડનું લોકાર્પણ

ભાવેશ ભોજક, પાટણઃ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચોરમાર પુરામાં એસટી વિભાગ દ્વારા રૂપિયા 3.13 કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથેના બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બસ સ્ટેશનથી આસપાસના અનેક ગામોના મુસાફરો અને વિદ્યાર્થીઓને લાભ મળશે.

સરસ્વતી તાલુકાના ચોરનાર પુરા ખાતે મામલતદાર કચેરી, ડાયનાસોર પાર્ક, સાયન્સ મ્યુઝિયમ કેન્દ્રીય વિદ્યાલય, સરસ્વતી તાલુકા કોર્ટ સહિતની કચેરીઓ આવેલી છે. ત્યારે આ વિસ્તારના લોકોને સરકારી કચેરીઓમાં તેમજ અન્ય જગ્યાએ જવા માટે ખાનગી વાહનોમાં મોંઘા ભાડા ખર્ચીને અવરજવર કરવાની ફરજ પડતી હતી. ત્યારે ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા ખાતે અંદાજે 4,000 ચોરસ મીટરમાં 3.13 કરોડના ખર્ચે અદ્યતન સુવિધા સાથેનું બસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું હતું. જેનું લોકાર્પણ પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

પાટણ સાંસદે પોતાના ધારાસભ્યકાળ દરમિયાન એસ.ટી મુસાફરી અંગેના અનુભવો વાગોળતા જણાવ્યું હતું કે, એસટીમાં મુસાફરી દરમિયાન મને કડવા અનુભવ થયા છે, પણ જ્યારથી ગુજરાતમાં ભાજપ સરકાર આવી છે, ત્યારથી એસટી સુવિધાઓમાં સતત વધારો કરી અનેક પ્રકારની સુવિધાઓનો વધારો કર્યો છે. જેથી મુસાફર જનતાની સુવિધાઓ વધવા પામી છે. છેલ્લા સાત વર્ષથી કરોડોના ખર્ચે બની રહેલા પાટણ એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ ક્યારે થશે તે અંગેનો પ્રશ્ન સાંસદને પૂછતા ભરતસિંહ ડાભીએ ચાલતી પકડી હતી.

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, જ્યારે બિલ્ડિંગ નવું બને છે, ત્યારે તેની સાફ-સફાઈ અને મેઇન્ટેનન્સ સારું હોય છે, પરંતુ જ્યારે તે કાર્યરત થાય છે પછી મેઇન્ટેનન્સના અભાવે સ્વચ્છતા ઉપર ધ્યાન આપવાનું આવતું નથી. ખાસ કરીને એસટીના જાહેર શૌચાલયની હાલત બત્તર બને છે. ત્યારે આ બસ સ્ટેશનમાં સ્વચ્છતા જળવાઈ રહે તે બાબતે એસટી વિભાગના કર્મચારીઓ અધિકારીઓને તાકીદ કરી હતી. પાટણનું બસ સ્ટેશન પણ ઝડપથી મુસાફરો માટે કાર્યરત કરવામાં આવે તેવી માગ કરી હતી. આ સાથે જ પાટણના મતવિસ્તારમાંથી તીર્થસ્થાનો માટે એસી વોલ્વો બસો એસટી વિભાગ દ્વારા ફાળવવામાં આવે તેવી પણ માગ ધારાસભ્ય પટેલે કરી હતી.

એસટી બસ સ્ટેશનના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન મેલુસણ ગામના એક જાગૃત નાગરિકે સુરત થરાદ બસનું સ્ટોપેજ મેલુસણ ગામે આપવા અંગેની માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ બસ રાત્રે અઢી વાગે આવે છે અને મુસાફરોને કંબોઈ ચોકડી કે કાંસા ગામે ઉતારે છે, તેથી મેલુસણ સહિત આસપાસના બાર જેટલા ગામના લોકોને અડધી રાત્રે ભારે હાલાકીઓ વેઠવી પડે છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. ત્યારે સુરતથી થરાદ જતી એસટી બસનું રાત્રી સ્ટોપેજ મેલુસણ ગામે આપવા માગ કરી હતી.