પાટણના સમીની આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ, તપાસમાં ફરિયાદ જ ચોર નીકળ્યો! ત્રણની ધરપકડ

ભાવેશ ભોજક, પાટણઃ સમીના કઠીવાડા નજીક દસ દિવસ અગાઉ રાત્રિના સમયે આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 26.50 લાખની થયેલી લૂંટની ફરિયાદ આધારે પાટણ LCB પોલીસે લૂંટનો ભેદ ઉકેલી આ ગુનામાં સંડોવાયેલા આંગડિયા પેઢીના કર્મચારી સલમાન તાલીબ સૈયદ અને તેના બે મિત્રોને 27 લાખ 25 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમની વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ જિલ્લાના સમીમાં આવેલી પીએમ આંગડિયા પેઢીમાં કામ કરતો કર્મચારી સલમાનભાઈ સૈયદ ગત તારીખ 10મી માર્ચના રોજ રાત્રિના સમયે બાઈક લઈને હારીજ ખાતે જઈ રહ્યો હતો. તે દરમિયાન સરવાલ નર્મદા કેનાલ પાસે બે અજાણ્યા બાઈકચાલકોએ તેને ઉભો રાખી છરી બતાવી તેની પાસે રહેલી 26.50 લાખનો થયેલો ઝૂંટવીને ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ સલમાન સૈયદે સમી પોલીસ મથકે નોંધાવતા પાટણ એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમો લૂંટારાઓને ઝડપી પાડવા માટે કામે લાગી હતી.
તે દરમિયાન પોલીસને ફરિયાદી ઉપર જ શંકા જતા તેને એલસીબી પોલીસ સ્ટેશને લાવી તેની સઘન પૂછપરછ કરતા સલીમ સૈયદે તેના બે મિત્રો સમીર ઈલિયાસ ચૌહાણ તથા આસિફ ઈબ્રાહીમ ઘાંચીને સાથે રાખીને લૂંટનું નાટક રચ્યું હતું. આંગડિયા પેઢીમાં ગ્રાહકોને આપવા માટે પૈસાની સગવડ ન હોવાથી આ કાવતરું રચ્યું હોવાની કબૂલાત કરી હતી. જેમાં બે મિત્રોને સામેલ કરાયા હતા.
આંગડિયા પેઢીના 26,50,000 રૂપિયા જમીન વેચી છે, તેનું પેમેન્ટ આવ્યું છે અને હાલમાં ઘરમાં રાખવાની સગવડ ન હોવાનું જણાવી મિત્ર અફઝલને રાખવા આપ્યા હતા. લૂંટના પ્લાન મુજબ ખરેખર લૂંટની ઘટના બની છે તેના પુરાવા માટે પોતે સીસીટીવી ફૂટેજમાં આવે તે માટે જાણી જોઈને પેટ્રોલ પંપ ઉપર પૈસાનો થયેલો સાથે રાખી પેટ્રોલ પુરાવ્યું હતું અને ત્યારબાદ પ્લાન મુજબ નર્મદા કેનાલ પાસે અગાઉથી ઊભા રહેલા બંને મિત્રો અને સાથે રાખીને કાવતરાને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ અન્ય બાઈક ઉપર આવી 100 નંબર ઉપર પોલીસને લૂંટ થયા અંગેની જાણ કરી ફરિયાદ નોંધાવી હોવાની કબુલાત કરતા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઇ તેમની પાસેથી લૂંટના રોકડ રૂપિયા 26.50 લાખના ગુનાના કામમાં વાપરેલી બાઇક, મોબાઇલ મળી કુલ રૂપિયા 27 લાખ 25 હજારનો મુદ્દામાલ કબજે કરી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વીકે નાઈએ જણાવ્યું હતું કે, આરોપીએ પૈસા કમાવાની લાલચમાં આવી આ તરકીબ અપનાવી હતી. તેણે તેના મિત્રો પાસેથી મેળવેલી ટિપ્સને આધારે આ કાવતરું રચ્યું હતું. પોલીસે ગણતરીના દિવસોમાં જ આ ખોટી લૂંટના બનાવનો પર્દાફાશ કરી આરોપીઓને ઝડપી લીધા છે.