December 23, 2024

પાટણમાં ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈ 20 સોસાયટીના રહીશોનો વિરોધ

ભાવેશ ભોજક, પાટણઃ હાસાપુરથી બોરસણ જવાના માર્ગ ઉપર આવેલી 20થી વધુ સોસાયટીઓના પ્રવેશદ્વાર પાસે ભૂગર્ભ ગટરના પાણી માર્ગો ઉપર રહેતા અહીંથી પસાર થતા વાહનચાલકો રાહદારીઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે. નગરપાલિકામાં અનેકવારની રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા આજે સોસાયટીના રહીશોએ નગરપાલિકા સામે સૂત્રોચ્ચાર પોકારી દેખાવ કરી રોષ વ્યક્ત કર્યો હતો.

હંસાપુરથી બોરસણ તરફ જવાનો માર્ગ અંબાજી નેળીયામાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ કહી શકાય, આ માર્ગ ઉપર આવેલી કૃષ્ણમ રેસિડેન્સી, શુકૂન રેસિડેન્સી, એપોલો ગ્રીન સહિતની 20થી વધુ સોસાયટીઓ આવેલી છે. ત્યારે આ વિસ્તારમાં વારંવાર ભૂગર્ભ ગટરો ઉભરાવવાની સમસ્યાને લઈને વિસ્તારના રહીશો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે.

અનેકવારની રજૂઆત કરવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની આજદિન સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેને લઈને નાછૂટકે આજે આ વિસ્તારની સોસાયટીના રહીશો માર્ગો ઉપર ઉતર્યા હતા અને નગરપાલિકા સામે ભારે સૂત્રોચ્ચારો પોકારી દેખાવો કરી રોષ ઠાલવ્યો હતો. સોસાયટીના રહીશોએ અલ્ટીમેટમ આપ્યું છે કે, પાલિકા તંત્ર દ્વારા બે દિવસના અંદર ભૂગર્ભ ગટરના પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો વિસ્તારના રહીશો નગરપાલિકાનો ઘેરાવો કરી આ ગંદુ અને દૂષિત પાણી નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરમાં ઢોળવામાં આવશે.