પાટણમાં 11 લાખના મોબાઇલની ચોરી મામલે બિહારની ચદ્દર ગેંગના 2 આરોપીની ધરપકડ

ભાવેશ ભોજક, પાટણઃ રાધનપુરમાં 21 દિવસ અગાઉ મોબાઇલની દુકાનમાંથી થયેલા 11 લાખ રૂપિયાના મોબાઇલની ચોરીનો ભેદ પાટણ એલસીબી પોલીસે ઉકેલી નાંખ્યો છે. આ મામલે બિહારની ચદ્દર ગેંગના બે ઈસમોને ઝડપી લઈ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસ પૂછપરછ દરમિયાન ચોરેલા મોબાઈલ નેપાળમાં હસન નામના વ્યક્તિને વેચ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પોલીસે મોબાઈલ રિકવર કરવાની કામગીરી હાથ ધરી છે. આ ગુનામાં અન્ય ચાર ઈસમો સંડોવાયેલા હોવાથી તેમને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે. ચદ્દર ગેંગે અત્યાર સુધી હરિયાણા, રાજસ્થાન પાંડુચેરી અને ગુજરાતમાં મોબાઇલ ચોરીને અંજામ આપ્યા હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે.

રાધનપુર હાઇવે રોડ ઉપર આવેલ રુદ્ર મોબાઈલ નામની દુકાનમાં 21 દિવસ અગાઉ દ્વારા રાત્રીના સમયગાળા દરમિયાન અજાણા શખ્સોએ મોબાઈલનું શટર તોડી તેમાંથી 64 જેટલા મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયાની ફરિયાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ચોરી કરતા ઈસમો સીસીટીવીમાં કેદ થયા હતા. જેના આધારે પોલીસે તપાસના ચક્રો શરૂ કર્યા હતા અને પાટણ એલસીબી પોલીસને તપાસ સોંપવામાં આવી હતી.

તપાસ દરમિયાન આ ગુનામાં બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાના ઘોડાસહનની ચદ્દર ગેંગ હોવાનું જણાતા પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે દિલ્હી ખાતેથી રાહુલ જયસ્વાલ અને મહંમદ નસીબ નામના ઇસમોને ઝડપી લઈ તેમની સઘન પૂછપરછ કરતા તેણે ચોરી કર્યો હોવાની કબુલાત કરી હતી અને ચોરેલા મોબાઈલ નેપાલમાં હસન નામના વ્યક્તિને આપ્યા હોવાની કબુલાત કરતા પોલીસે મોબાઈલનો મુદ્દામાલ કબજે કરવાની કામગીરી હાથ ધરી છે.

ચદ્દર ગેંગે અત્યાર સુધીમાં હરિયાણા, રાજસ્થાન, પોંડિચેરી અને ગુજરાતમાં મોબાઈલ ચોરીને અંજામ આપ્યા હોવાની પોલીસ પ્રાથમિક પૂછપરછ પકડાયેલા બંને ઈસમોએ કબૂલાત કરી છે. મોબાઈલ ચોરીના ગુનામાં સંડોવાયેલી ચદ્દર ગેંગના સફિક મલિક, મુસ્લિમ આલમ મલિક, હરિઓમ યાદવ તથા હસન તજુદ્દીન મલિક રહે બિહારવાળાઓને પકડવાના ચક્રો પોલીસે ગતિમાન કર્યા છે.

ડીવાયએસપી કે.કે. પંડ્યાએ આ ટોળકીની માહિતી આપતા જણાવ્યું હતું કે, બિહાર રાજ્યના મૂળ વતની આ મોબાઇલ ચોરો રાજ્ય છોડી દેશના અન્ય રાજ્યોમાં મજૂરી કામ અર્થે આવી સોશિયલ મીડિયા મારફતે મોબાઈલના મોટા શોરૂમોની રેકી કરતા હતા. રાત્રીના સમયે નિશાન બનાવેલા મોબાઈલના શોરૂમ કે દુકાનનું શટર તોડી બે માણસો ચાદર પકડી રાખી દુકાનમાં પ્રવેશ કરતા હતા. ત્યારબાદ ચોરીને અંજામ આપતા હતા. આ ટોળકી ચોરીની ઘટનાને અંજામ આપવા જાય ત્યારે મોબાઈલનો ઉપયોગ કરતી ન હતી અને ચોરેલા મોબાઈલ બાજુના દેશ નેપાળમાં વેચતા હતા.