December 19, 2024

પાટણમાં ગંદા પાણીના નિકાલ માટે કોંગ્રેસે થાળી-વેલણ વગાડી કર્યો વિરોધ

પાટણ: શહેરના હરીપુરા વિસ્તારમાં વરસાદી પાણી અને ભૂગર્ભ ગટરના પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે વિસ્તારના રહીશોને ભારે હાલાકીઓ વેઠવી પડે છે. ગંદા પાણી નિકાલ માટે પાલિકા તંત્ર દ્વારા કોઇ પ્રકારની વ્યવસ્થા ન કરાતા આ વિસ્તારના લોકો હાલ નર્કાગાર સ્થિતિમાં જીવી રહ્યા છે. ત્યારે આજે સ્થાનિક લોકોની સાથે કોંગ્રેસ આગેવાનો કાર્યકરોએ થાળી વેલણ વગાડી નઘરોળ નગરપાલિકાના સત્તાધીશોને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો અને પાણી નિકાલને માંગ કરી હતી.

પાટણમાં વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે કેટલાય વિસ્તારો ગંદકીગ્રસ્ત બન્યા છે. રામનગર વિસ્તારમાં આવેલ હરિપુરા પરુ પણ ગંદકીગ્રસ્ત બન્યું છે. આ વિસ્તારમાં સોસાયટી વિસ્તારની ગટરો ઉભરાતા તેના પાણી વરસાદી સાથે ભળતા આ પાણી માર્ગો ઉપર ઉભરાઇ રહ્યા છે. જેને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકીઓ વેઠવી પડે છે. ઘરો આગળ કાદવ અને ઢીંચણ સમા પાણીમાં થઈને પસાર થવા લોકો મજબૂર બન્યા છે. તો, આ ગંદા અને દૂષિત પાણીમાં થઈને વિદ્યાર્થીઓ શાળામાં જવા મજબૂર બન્યા છે.

દૂષિત અને ગંદા પાણીને કારણે રોગચાળો ફેલાવવાની ભીતિ પણ સેવાઈ રહી છે. હરીપુરા વિસ્તારમાં 500થી વધુ મકાનો આવેલા છે. ત્યારે, છેલ્લા બે વર્ષથી આ પ્રકારેની સમસ્યા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા પાણી નિકાલ માટેની કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી આજે સ્થાનિક લોકોની સાથે કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ થાળી વેલણ વગાડી કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા સત્તાધીશોને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. કોરોના બાદ પાટણમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિકો અને કોંગ્રેસે ફરીથી થાળી વેલણ વગાડ્યા હતા.