January 22, 2025

પાટણ નગરપાલિકામાં નકલી વેરાપાવતી મામલે ભાંડો ફૂટ્યો

ભાવેશ ભોજક, પાટણઃ નગરપાલિકાનો નકલી વેરાપાવતી મામલે ભાંડો ફૂટવા પામ્યો છે. ગુજરાતમાં નકલી ઘી, નકલી તેલ, નકલી અધિકારી, નકલી ચેકપોસ્ટ, નકલી કોલેજોની વાતો તો સાંભળી પણ હવે નગરપાલિકા દ્વારા કથિત નકલી વેરાપાવતી આપવાની ઘટના પણ પ્રકાશમાં આવી છે. જેને લઈ ખળભળાટ મચી જવા પામ્યો છે.

પાટણ શહેરની ઇન્દ્રલોક સોસાયટીમાં રહેતા લલીતાબેન નામના વિધવા મહિલાએ ગત 15 એપ્રિલ 2024ના રોજ પાલિકાની વેરા શાખામાં લાઇન ઉભા રહીને 1660નો વેરો ભરીને પાવતી મેળવી હતી. જોકે મહિનાઓ વીત્યા બાદ પાલિકાના કર્મચારી વેરો બાકીની નોટિસ લઇને તેમના ઘરે પહોંચતા મહિલા ચોંકી ઉઠ્યા હતા અને મહિલાએ ભરેલી વેરાપાવતી બતાવતા તે પાવતી કર્મચારીએ ખોટી છે તેમ કહેતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. જ્યારે મહિલા નગરપાલિકા પહોંચી અને ખાતરી કરી તો ખરેખર આ વેરા પાવતી ડુપ્લિકેટ હોવાનું સામે આવ્યું હતું.

આ સમગ્ર મામલે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર નિતીન બોડાતે જણાવ્યું હતું કે, હાલ વિધવા મહિલાએ વેરો ભરીને 3394ની પાવતી આપી છે. હવે વહિવટી રીતે તેની તપાસ ચાલી રહી છે. જરૂર પડશે તો પોલીસ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરાશે. જે પાવતી મહિલા દ્વારા રજૂ કરવામાં આવી છે તેમાં અનેક ક્ષતિઓ છે. જેમ કે, પાવતી અહીંયા પાલિકાની નથી. મહિલાએ કયા ઓપરેટર પાસે વેરો ભરાવ્યો હતો તે પણ યાદ નથી. જે પાવતી મહિલા દ્વારા રજૂ કરવામાં આવી છે, તેનો પાવતી નંબર પાલિકામાં અન્ય વ્યક્તિના નામે છે. કાગળ પણ પાલિકામાં ઉપયોગ થાય છે તે મુજબનો નથી. આવી અનેક વિસંગતતા જોવા મળી છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવાનું મહિલાને જણાવતા મહિલા રડી પડી હતી અને પાલિકાનો વેરો રાબેતા મુજબ ભરાવ્યો હોવાનું જણાવ્યું હતું.

પાટણ નગરપાલિકાએ ચાલુ વર્ષે સુવિધાઓ આપવાના નામે વેરા વધારી ડબલ વેરા કરતા શહેરીજનોનાં ખિસ્સા પર ભારણ વધ્યું છે. તેવામાં હવે નગરપાલિકામાં ટેક્સ આપતા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન કહી શકાય. આખરે મહિલાને ડુપ્લિકેટ વેરાપાવતી કોણે આપી? શું આ રીતે અન્ય શહેરીજનો પણ નકલી વેરાપાવતીનો ભોગ બન્યાં છે કે કેમ તેવા અનેક સળગતા સવાલો ઉઠી રહ્યા છે.