January 18, 2025

પાટણના યુવકે સુરતની મહિલા પાછળ લગાવ્યો જાસૂસ, ત્રાહિત મહિલાએ નોંધાવી ફરિયાદ

અમિત રૂપાપરા, સુરત: પાટણમાં રહેતા એક ઈસમે સુરતની મહિલાને લગ્નની લાલચ આપી અને ત્યારબાદ પોતાની સાથે લગ્ન કરવાનો દબાણ કરી હેરાન પરેશાન કરી અને મહિલા લગ્ન માટે ન માનતા મહિલા પાછળ એક જાસૂસ લગાવ્યો અને અંતે આ ઈસમથી કંટાળીને મહિલાએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાની જાસૂસી કરનાર રિક્ષાચાલક ધરપકડ કરી લીધી છે.

સુરતમાં રહેતી મહિલા 2 જૂનના રોજ પોતાના સમાજના સંમેલન માટે બરોડા ગઈ હતી અને બરોડામાં આ મહિલાની મુલાકાત તરુણ બારોટ નામના ઇસમ સાથે થઈ હતી. તરુણ બારોટ દ્વારા પોતાની ઓળખ મહિલા સાથે પોલીટીશિયન મેકર તરીકેની આપવામાં આવી હતી અને તરુણે મહિલાને પોતે ભાજપ અને કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં હોવાનું જણાવી, ખૂબ જ કેપેબલ વ્યક્તિ છે તેવું જણાવ્યું હતું અને મહિલાને કોઈપણ મુશ્કેલી પડે તો તેનો સંપર્ક કરવા જણાવ્યું હતું અને ત્યારબાદ તરુણે મહિલા પાસેથી તેનો મોબાઈલ નંબર લીધો હતો.

તરુણ બારોટે 2 જૂનના રોજ મહિલા સાથે મુલાકાત કર્યા બાદ 3 જુલાઈ 2024ના રોજ મહિલાને ફોન કરવાનું શરૂ કર્યુ હતું અને ત્યારબાદ મહિલાને તે લગ્ન કરવા માટે દબાણ કરી રહ્યો હતો અને કહેતો હતો કે તારે મારી સાથે લગ્ન કરવા જ પડશે. આટલું જ નહીં તે મહિલાને 12-12 કલાક સુધી વિડીયો કોલ કરીને ઘરમાં જ ગોંધી રાખતો હતો. આ ઉપરાંત મહિલા અને જો તરુણનો ફોન ન ઉપાડે તો તે અન્ય સંબંધીઓના નંબર કોઈ પણ જગ્યા પરથી મેળવી સંબંધીઓને ફોન કરીને મહિલાને ફોન આપવાનું કહેતો હતો.

મહિલા દ્વારા આ બાબતે પોલીસને રજૂઆત કરવા બાદ પણ તરુણ બારોટ સુધર્યો નહીં અને તેને મહિલાની પાછળ એક જાસૂસ લગાવી દીધો. આ જાસૂસ જે જે જગ્યા પર મહિલા જતી હતી તે તમામ જગ્યા પર મહિલાની પાછળ પાછળ જતો હતો અને ફોટા પાડીને તરુણને મોકલતો હતો. આટલું જ નહીં તરુણ બારોટ એટલો માસ્ટરમાઈન્ડ હતો કે, પોલીસને પણ તે ખોટી માહિતી આપીને મહિલાના ઘરે મોકલી દેતો હતો.

15 ઓગસ્ટના રોજ આ તરુણ બારોટ નામના ઈસમ દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે પોતે cid crime પોલીસ ઇન્સ્પેક્ટર આર કે રાઠોડ બોલે છે અને તેને પોલીસ સમક્ષ આ સિંગણપોરની મહિલાને વોન્ટેડ ગુનેગાર બતાવી હતી. તેથી પોલીસ આ મહિલાના ઘરે પહોંચી હતી. આ ઉપરાંત તપાસ કરવા માટે પુત્રના કારખાને પણ પહોંચી હતી. તો આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તરુણ બારોટ સામે ખોટી ફરિયાદ આપવા બાબતે બે અને મહિલાને હેરાન પરેશાન કરવા બદલ એક આમ કુલ 3 ગુના દાખલ કર્યા છે. આ ગુના દાખલ થયા બાદ મહિલાની જાસૂસી થઈ રહી હોવાનું તેને જાણવા મળતા મહિલા દ્વારા બાબતે સિંગણપોર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસે આ વાતને ગંભીરતાથી લઈ મહિલાના ઘરની બહાર વોચ ગોઠવી હતી અને રીક્ષામાં બેસેલો એક મહિલાના ફોટા પાડતો હોવાથી તેને દબોથી લીધો હતો.

જાસૂસની ધરપકડ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, આ ઈસમ મયુર સોનવણે છે અને તે ડીંડોલી વિસ્તારમાં રહે છે. આ ઉપરાંત અલથાણના એટલાન્ટા શોપિંગ સેન્ટરમાં કોન્ફીડેન્સીયલ ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ એજન્સી ચલાવતા અજય રાઈ માટે કામ કરે છે અને દિવસના 1,000 લેખે તેને મહિલાના પીછો કરવાના રૂપિયા.

હાલ તો પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ડિટેક્ટિવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ મહિલાના કહેવા અનુસાર તરુણ બારોટ અને હિના પટેલ બંને પતિ પત્ની પાટણના રહેવાસી છે અને મહિલાઓને આ પ્રકારે પોતાના ચક્કરમાં ફસાવી પૈસા પડાવવાનો ધંધો કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે હાલ પોલીસે તરુણ બારોટ નામના ઈસમ સામે કુલ ત્રણ ગુના દાખલ કર્યા છે અને તેને પકડવાના ચક્રોગતીમાન કર્યા છે.