December 26, 2024

પાટણના દુનાવાડા ગામે 5 વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં, આચાર્યની ધરપકડ

ભાવેશ ભોજક, પાટણઃ હારીજ તાલુકાના દુનાવાડા ગામે પ્રાથમિક શાળાના આચાર્યએ ધોરણ છઠ્ઠામાં ભણતી 5 જેટલી વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવતા વાલીઓ ચોંકી ઉઠ્યા હતા. આ બાબતે તેઓ શાળામાં દોડી આવ્યા હતા. ત્યારબાદ આવા શિક્ષકને કડકમાં કડક સજા થાય તે માટે તેમણે હારીજ પોલીસ મથકે લંપટ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આચાર્યની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પણ આચાર્ય સામે ખાતાકીય તપાસના આદેશ કર્યા છે.

ગુરુ અને શિષ્યના સબંધોને શર્મશાર કરતી ઘટના પાટણના દુનાવાડા ગામે બની છે. જ્યાં દુનાવાડા સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શાળાના લંપટ શિક્ષક પ્રવીણ પટેલ દ્વારા શારીરિક અડપલાં કરતા ખળભળાટ મચ્યો છે. શાળામાં અભ્યાસ કરતી ભોગ બનનારી વિદ્યાર્થિનીઓ એ જ્યારે સમગ્ર ઘટના બાબતે પોતાના વાલીને કરતા સમગ્ર આચાર્યની કાળી કરતૂતનો કાંડ ખૂલતા રોષે ભરાયેલા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને લંપટ આચાર્યને સબકના પાઠ ભણાવી હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આ મામલે પોસ્કો તેમજ એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ આ પ્રકારની ઘટનાને લઈ શિક્ષણ વિભાગ દ્વારા પણ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી ખાતાકીય તપાસ કરી કાયદેસરના પગલાં ભરવામાં આવશે. તે પ્રકારની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું તો સાથે જ સમગ્ર પંથકના લોકો દ્વારા લંપટ શિક્ષક વિરૂદ્ધ ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.