January 11, 2025

ધારપુર મેડિકલ કોલેજમાં NSUIનો વિરોધ, ફી વધારો પરત નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી

ભાવેશ ભોજક, પાટણઃ GMERS મેડિકલ કોલેજોમાં કરવામાં આવેલા ફી વધારાના મુદ્દે આજે પાટણની ધારપુર મેડીકલ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને NSUIના કાર્યકરોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચારો પોકારી દેખાવો કરી મેડિકલ કોલેજના ડિનને લેખિતમાં રજૂઆત કરી ફી વધારો પાછો ખેંચવાની માગ કરી હતી. જો ફી વધારો પરત નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં GMERS મેડિકલ કોલેજમાં કમરતોડ ફી વધારો ઝીંકવામાં આવ્યો છે. જેને લઈને મેડિકલના વિદ્યાર્થીઓમાં સરકારના આ નિર્ણય સામે ભારે રોષ અને નારાજગી જોવા મળી મળી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓના આ પ્રશ્નને વાંચો આપવા માટે વિદ્યાર્થી સંગઠનો મેદાનમાં આવ્યા છે અને સરકારના ફી વધારાના નિર્ણયનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે પાટણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને એનએસયુઆઈના કાર્યકરોએ ધારપુર મેડિકલ કોલેજ ખાતે ડિનને લેખિતમાં રજૂઆત કરી ફી વધારો પાછો ખેંચવા માગ કરી હતી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ ધારપુર નજીક પાટણ ઊંઝા હાઇવે પર ચક્કાજામ કરતા બંને સાઈડ વાહનોની લાંબી કતારો સર્જાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ તાકીદે દોડી આવી વિદ્યાર્થીઓને માર્ગ ઉપરથી હટાવી ટ્રાફિક વ્યવહાર પુનઃકાર્યરત કર્યો હતો.

બીજી તરફ એનએસયુઆઈના કાર્યકરો રેલી સ્વરૂપે ધારપુર મેડિકલ કોલેજમાં પહોંચ્યા હતા અને સરકાર તેમજ આરોગ્ય મંત્રી વિરુદ્ધ સૂત્રોચારો પોકારી દેખાવો કર્યા હતા અને એડિશનલ ડીનને ફી વધારો પાછો ખેંચવા રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં વિદ્યાર્થીઓના હિતમાં સરકાર દ્વારા કોઈ નિર્ણય નહીં લેવાય તો NSUI દ્વારા ભગતસિંહના માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ધારપુર મેડિકલ કોલેજના એડિશનલ ડીને વિદ્યાર્થી સંગઠનોની લેખિત અને મૌખિક રજૂઆતો સાંભળી હતી અને ફી વધારો પરત કરવાની વિદ્યાર્થી સંગઠનોની માગ ઉચ્ચ કક્ષાએ મોકલી અપાશે અને સરકાર જે નિર્ણય લેશે તે વિદ્યાર્થીઓને જાણ કરાશે.