December 26, 2024

પાટણનો આ પરિવાર 6 પેઢીથી બનાવે છે દેવડા, અનેક ફ્લેવરનો સ્વાદ દાઢે વળગશે!

ભાવેશ ભોજક, પાટણઃ શહેરમાં બનતા દેવડાની મીઠાઈ એક આગવી ઓળખ છે. તહેવારો હોય કે પછી શુભ પ્રસંગ પાટણવાસીઓ દેવડાની મીઠાઈ અચૂક ખરીદતા હોય છે. દેવડાની મીઠાઈનું સંશોધન વર્ષો પૂર્વે પાટણમાં કરવામાં આવ્યું હતું. દેવડા બનાવવા માટે મેંદો અને ઘીમાં તેનું બંધારણ કરી ખાંડની ચાસણીમાં ડબોળી તેની ઉપર બદામ-પીસ્તા સહિતનું ડેકોરેશન કરી તૈયાર કરવામાં આવે છે. દેવડામાં મેંદો, ખાંડ, ઘી હોવાથી તેને ખાવાથી આરોગ્યને કોઈ નુકસાન પણ થતું નથી.

હાલમાં દિવાળીનાં તહેવારોનો પ્રારંભ થયો છે. જેને કારણે પાટણવાસીઓ તો ખરાં જ પણ સાથે સાથે બહારગામથી પણ લોકો દેવડાની મીઠાઈ ખરીદવા પાટણ આવી પહોંચે છે. શુદ્ધ ઘીનાં દેવડા 480થી 520 રૂપિયે કિલોનાં ભાવે વેચાય છે. ચાલુ વર્ષે દેવડાનાં ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. દેવડા પાટણની આગવી ઓળખ છે. જેની વર્ષો પહેલા સુખડિયા પરિવાર દ્વારા શોધ કરવામાં આવી હતી.

દેવડાની મીઠાઈ બનાવવા માટે મેંદાનો ઉપયોગ કરવામાં આવે છે. મેંદા સાથે ઘીનું મીશ્રણ કરી લોટ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તૈયાર કરેલા લોટની પુરી ઘીમાં તળવામાં આવે છે અને બીજા દિવસે પૂરીને ખાંડની ચાસણીમાં જબોળી બદામ-પીસ્તા સહિતનું ડેકોરેશન કરી ગ્રાહકો માટે વેચાણ અર્થે મુકવામાં આવે છે. દેવડા એક એવી મીઠાઈ છે કે જે લાંબો સમય સાચવી રાખવા છતાં પણ બગડતી નથી અને આરોગ્યની દ્રષ્ટિએ પણ કોઈ નુકસાન કરતી નથી.

પાટણમાં છ પેઢીથી સુખડિયા પરિવારે દેવડા બનાવવાની પરંપરા જાળવી રાખી છે. હાલનાં ટેકનોલોજીનાં યુગમાં પણ વારસાગત આ વ્યવસાયને આજની યુવાપેઢીએ પણ જાળવી રાખ્યો છે. પરિવારનાં શિક્ષિત અને ડિગ્રી ધરાવનાર યુવાનો પણ દેવડા અને અન્ય મીઠાઈ બનાવવામાં પારંગત છે. બદલાતાં સમયની સાથે અલગ અલગ ફ્લેવરનાં દેવડાની મીઠાઈ ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવે છે. તેમાં બટર સ્કોચ, ચોકલેટ ફ્લેવર, કેસર દેવડા સહિતની ફ્લેવરમાં દેવડા તૈયાર કરી વેચી રહ્યા છે. શિક્ષિત યુવાનોએ પરંપરાગત વારસાગત વ્યવસાયને અપનાવી આજની યુવા પેઢીને એક સંદેશો પણ આપ્યો છે.

દેવડા પટણીઓનું એક નજરાણું છે અને દરેક વર્ગને પોષાય તેવી મિઠાઈ છે. જેને સામાન્ય વર્ગનાં લોકો પણ સરળતાથી ખરીદી શકે છે. બહારગામથી આવતાં વ્યક્તિઓ ચોક્કસ દેવડાની ખરીદી કરે છે. દેવડા ખાવાનાં શોખીન તહેવારોનાં દિવસોમાં દેવડા ખાવાનું ચૂકતા નથી. પાટણનાં દેવડાની વિશેષતા એ છે કે લાંબા સમયગાળા સુધી આ મીઠાઈ બગડતી નથી સાથે જ નાનાં બાળકોથી લઇ વયોવૃદ્ધ પણ આ મીઠાઈ આરોગી શકે છે એટલી નરમ હોય છે.

દેવડા ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં મીઠાઈ તરીકે આગવું સ્થાન ધરાવે છે. વેપાર ધંધાના શુભારંભ પ્રસંગે ચવાણા સાથે દેવડા વેચવામાં આવે છે. હાલ તહેવારની સિઝનમાં દેવડાની ભારે માગ ઊઠી છે અને ભેટ-સોગાદ તરીકે મીઠાઈ રૂપે લોકો એકબીજાને દેવડા આપે છે.