ગેનીબેનનો હુંકાર – કામગીરીમાં પૂરતો સહયોગ આપીએ છીએ એને કમજોરી ના સમજતા
ભાવેશ ભોજક, પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે પાટણના ધારાસભ્ય તેમજ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત 21 કોંગ્રેસ આગેવાનો વહેલી સવારે પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. પોલીસે તેઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 10 કલાક જેટલો સમય થયો હોવા છતાં પણ પોલીસ દ્વારા તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા નથી. ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર પાટણ બી ડિવિઝન પોલીસ મથકે આવી પહોંચ્યા હતા.
ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને રૂબરૂ મળ્યા હતા. લગભગ અડધો કલાક સુધી તેમણે કાર્યકરો સાથે ગહન ચર્ચા કરી હતી. ત્યારબાદ પત્રકારો સમક્ષ નિવેદન આપ્યું હતું કે, યુનિવર્સિટીમાં થયેલા દારૂકાંડ મુદ્દે પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનો રજૂઆત માટે ગયા હતા. ત્યારે ઊલટું ચોર કોટવાલની ડાટે તે રીતે તેમની સામે જ ફરિયાદ દાખલ કરી તેમને જ આરોપી બનાવ્યા છે. સરકારો બદલાતી રહે છે પણ પોલીસે બંધારણની જોગવાઈ મુજબ કાર્યવાહી કરવી જોઈએ. કોંગ્રેસ અને કોંગ્રેસના આગેવાનો તેમજ એનએ સિવાયના કાર્યકરો સાથે અમે તેમની સાથે છીએ. પોલીસ કાયદાકીય રીતે કામગીરી કરે તેવી અમે આશા રાખીએ છીએ છતાં પોલીસે જ કાયદો હાથમાં લેવાનું નક્કી કર્યું હશે તો કોંગ્રેસ પણ ચૂપ નહીં રહે.
તેઓ વધુમાં જણાવે છે કે, કાયદાને માન આપીને ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સહિતના કોંગ્રેસના આગેવાનો જાતે જ પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. ત્યારે પોલીસે પણ તેમની સામે સહાનુભૂતિ દાખવી જામીનમુક્ત કરવા જોઈએ. અમે ગાંધીજીની વિચારધારાને માનવાવાળા છીએ એટલે અમે પૂરતો સહયોગ આપીએ છીએ. તેને અમારી કમજોરી પોલીસ અને સરકારે ન ગણવી જોઈએ. પાટણ પોલીસ તેની જવાબદારી સમજી વહેલામાં વહેલી તકે કોંગ્રેસના ધારાસભ્ય સહિતનાને જામીન મુક્ત કરે તેવી માગ કરી છે. પોલીસનું વલણ કેવું છે તે પ્રમાણે અમે આગામી કાર્યક્રમો કરીશું.