December 23, 2024

શિવપરિવારના દર્શન કરાવતું ‘છત્રપતેશ્વર મહાદેવ’નું મંદિર, વડોદરાના રાજપરિવાર સાથે સંબંધ

વિવેક ચુડાસમા, અમદાવાદઃ શ્રાવણ મહિનાનો એકવીસમા દિવસે શિવાલયયાત્રા પહોંચી ગઈ છે પાટણ જિલ્લામાં. અહીં આવેલું છે અતિપૌરાણિક ‘છત્રપતેશ્વર મહાદેવ’નું શિવાલય. આવો જાણીએ છત્રપતેશ્વર મહાદેવનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી વાતો…

પાટણના દામજીરાવ બાગમાં છત્રપતેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે. આ શિવાલયને તૈયાર કરવા માટે અલગ અલગ રંગના પથ્થરોની છત્રી જેવા શિવાલયનું નિર્માણ કરાવવામાં આવ્યું છે અને તેને છત્રપતેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે.

શું છે પૌરાણિક કથા?
વર્ષ 1773માં સંવત 1829માં સયાજીરાવ ગાયકવાડે દામાજીરાવની યાદમાં આ શિવાલય બંધાવ્યું હતું. તે સમયે અંદાજે 25 હજાર રૂપિયા જેટલો ખર્ચો કરવામાં આવ્યો હતો. આ મંદિરની સ્થાપત્ય શૈલી દક્ષિણ ભારતના મંદિરોને મળતી આવે છે. મંદિરના નિર્માણ વખતે પથ્થર અને ચૂનાનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરમાં 36 થાંભલા તેમજ રાજવી પરિવારનું મંદિર છે અને મંદિરનો તમામ વહીવટ વડોદરાના રાજપરિવાર દ્વારા કરવામાં આવે છે.

આ મંદિર કલા-કારીગરોનો અદ્ભુત સમન્વય
ગુજરાતમાં સ્થાપત્યની દ્રષ્ટિએ આ મંદિર કલા કારીગરીનો બેનમૂન નમૂનો છે. બગીચાની મધ્યમા મંદિર યોગ્ય ઉંચાઈ ઉપર બનાવવામાં આવ્યું છે. છાયા મંડપમાં ગોપ-ગોપીઓ, રાસક્રીડાની સુંદર કલાકૃતિઓ જોવા મળે છે. આ મંદિરમાં ભગવાન સદા શિવના સંપૂર્ણ પરિવારના દર્શન થાય છે. તેમાં ભોળાનાથ, માતા પાર્વતી, ગણપતિ અને કાર્તિકેય સ્વામીના એકસાથે દર્શન કરી શકાય છે. તેથી આ મંદિરનું વિશેષ મહત્વ છે. અહીંના રમણીય અને આહ્લાદક વાતાવરણ વચ્ચે શિવભકતો શિવ આરાધનામાં લીન બની જાય છે.

આ શિવાલયમાં કારતક સુદ પૂનમના દિવસે એક દિવસ માટે જ સૂર્યોદય પહેલાં ભગવાનના મંદિરના દ્વાર ખોલી ભગવાનનું મુખ ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવે છે. પૌરાણિક છત્રપતેશ્વર મંદિરમાં શિવરાત્રીએ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે, મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટે છે.

કેવી રીતે પહોંચી શકાય?
ગુજરાતના દરેક મોટા શહેરથી પાટણ પહોંચવા માટે રેલ માર્ગ, સડક માર્ગે સુવિધા છે. ખાનગી બસ કે સરકારી બસ પણ તમને પાટણ સુધી પહોંચી શકાય છે. પાટણથી આ મંદિરે પહોંચવા માટે રિક્ષા કે ટેક્સીની સુવિધા મળી રહે છે.