લેઉવા પાટીદાર સમાજનો મહત્વનો નિર્ણય – લગ્ન વખતે…
ભાવેશ ભોજક, પાટણઃ 42 લેઉવા પાટીદાર સમાજના અગામી સમયમાં સમૂહ લગ્ન યોજાવવા જઈ રહ્યા છે. ત્યારે આ સમૂહ લગ્નમાં જોડાવવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં જે યુગલ આ સમૂહ લગ્નમાં જોડાવવા માંગે છે, તેમને પ્રિ-વેડિંગ શૂટિંગના ખોટા ખર્ચાને તિલાંજલિ આપવી પડશે તો જ સમૂહ લગ્નનું રજિસ્ટ્રેશન થશે.
વર્તમાન સમયમાં લગ્ન પ્રસંગ દરમિયાન પ્રિ-વેડિંગના ખોટા ખર્ચાઓ દરેક સમાજમાં થઈ રહ્યા છે. જેને લઈને સામાજિક સંતુલન ખોરવાય છે. આ સાથે જ પરિવારોને આર્થિક રીતે પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આવા ખોટા ખર્ચાઓ ટાળવા માટે 42 લેવા પાટીદાર સમાજ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. લેઉવા પાટીદાર સમાજ દ્વારા આગામી સમયમાં સમૂહ લગ્નનું સુંદર આયોજન કર્યું છે. આ આયોજનના ભાગરૂપે પાટણ ખાતે લેઉવા પાટીદાર સમાજ કાર્યાલયમાં એક બેઠક મળી હતી.
આ પણ વાંચોઃ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે CR પાટીલે બે હાથ જોડીને માફી માગી
આ બેઠકમાં લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં દેખાદેખીને કારણે લગ્ન પહેલાં પ્રિ-વેડિંગ વીડિયો-ફોટોશૂટની મહત્વની બાબત સામે આવી હતી. ત્યારે ખોટા ખર્ચાને રોકવા માટે 42 લેઉવા પાટીદાર સમાજ આગળ આવ્યો છે અને આગામી સમયમાં પાટીદાર સમાજ દ્વારા યોજાનારા સમૂહલગ્નમાં ભાગ લેનારા યુગલે પ્રિ-વેડિંગ શૂટિંગને તિલાંજલિ આપવી પડશે. પ્રિ-વેડિંગ શૂટિંગ નહીં કરાવનારા યુગલનું સમૂહ લગ્નમાં રજિસ્ટ્રેશન થશે અને આ અંગે સમાજના આગેવાનો દ્વારા યુગલને સમજણ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં જિલ્લામાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ કેટલું? જાણો તમામ માહિતી
આવા ખોટા ખર્ચાઓ અટકાવીને તે રૂપિયા દીકરીને આપવામાં આવે તો તે રૂપિયા તેના ઉપયોગમાં આવી શકે. ત્યારે આ પ્રકારના નિર્ણયને પાટીદાર મહિલાઓ પણ આવકારી રહી છે અને સમાજમાં આ પ્રકારના દૂષણને દૂર કરવા માટે કટિબદ્ધ બનવા પામી છે.