દુષ્કર્મના આરોપી પાદરી બજિન્દર સિંહને આજીવન કેદની સજા, મોહાલી કોર્ટે લીધો મોટો નિર્ણય

Punjab: પંજાબના સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને તાજેતરમાં મોહાલી કોર્ટે દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. આજે (મંગળવાર, ૧ એપ્રિલ) કોર્ટે બજિન્દર સિંહને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં છેલ્લી સુનાવણી 28 માર્ચે થઈ હતી, જ્યારે તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે બજિન્દર સિંહને દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યા હતા.
આ દુષ્કર્મનો કેસ વર્ષ 2018નો છે. પીડિતાનું કહેવું છે કે તે છેલ્લા 7 વર્ષથી ન્યાય મેળવવા માટે કોર્ટ અને પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહી છે. પીડિતાએ દાવો કર્યો હતો કે તેના જેવી બીજી ઘણી સ્ત્રીઓ હતી જેનું પાદરી બજિન્દર સિંહ દ્વારા શોષણ કરવામાં આવ્યું હતું.
ઓછી સજા માટે અપીલ કરી હતી
દુષ્કર્મ પીડિતાના વકીલ અનિલ સાગરે જણાવ્યું હતું કે કોર્ટે પાદરીને આજીવન કેદની સજા ફટકારી છે, જેનો અર્થ એ છે કે તેમને મૃત્યુ સુધી જેલમાં રહેવું પડશે. મૃત્યુદંડ પછી આ સૌથી મોટી સજા છે. તેમણે (પાદરી બજિન્દર સિંહ) અપીલ કરી હતી કે તેમને ઓછી સજા આપવામાં આવે પરંતુ કોર્ટે તે સ્વીકારી ન હતી.
આ પણ વાંચો: IPL 2025: મેચ બાદ અશ્વિની કુમારનો મોટો ખુલાસો, કહી દીધી ભરોસો ના આવી વાત
શું બજિન્દર સિંહે પણ લોકોને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું?
પીડિતાએ દાવો કર્યો હતો કે બજિન્દર સિંહ ધર્મના નામે લોકોને મૂર્ખ બનાવી રહ્યો હતો. બજિન્દર સિંહને ધર્મ પરિવર્તન માટે બહારથી હવાલાના પૈસા પણ મળતા હતા. પાદરી બજિન્દર સિંહ વિરુદ્ધ દુષ્કર્મના કેસમાં ફરિયાદીએ કહ્યું હતું કે પોતાને પાદરી કહેવડાવનાર બજિન્દર સિંહ એક હેવાન છે અને તેને ઓછામાં ઓછી 20 વર્ષની સજા થવી જોઈએ.
શું છે આખો મામલો?
વર્ષ 2018માં એક મહિલાએ મોહાલીના ઝીરકપુર પોલીસ સ્ટેશનમાં બજિન્દર સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પીડિતાએ કહ્યું હતું કે બજિન્દર સિંહે તેને વિદેશ લઈ જવાની લાલચ આપીને તેનું શોષણ કર્યું હતું. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે દુષ્કર્મનો વીડિયો બનાવ્યા પછી તેણે ધમકી આપી હતી કે જો પીડિતા તેનું કહેવું નહીં માને તો તે વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ કરી દેશે.