રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન મામલે CR પાટીલે બે હાથ જોડીને માફી માગી
અમદાવાદઃ પરશોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન બાદ ગાંધીનગર સ્થિત સીઆર પાટીલના નિવાસસ્થાને પૂર્વ ક્ષત્રિય મંત્રીઓ, હાલના ક્ષત્રિય મંત્રીઓ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજી હતી. તેમાં કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરવો તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે સીઆર પાટીલ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માગી હતી.
ક્ષત્રિય નેતાઓ સાથે CMની બેઠક
બીજી તરફ, ભાજપમાં રહેલા ક્ષત્રિય સમાજના મોટા માથાઓ આ મામલે અત્યાર સુધી મૌન રહ્યા છે. કોઈએ એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. હવે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના નિવાસસ્થાને ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં બેઠક યોજવામાં આવી રહી છે. જેમાં પૂર્વ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદિપસિંહ જાડેજા સહિત આઇકે જાડેજા, માંધાતાસિંહ જાડેજા જેવા ક્ષત્રિય આગેવાનો અને ભાજપના નેતાઓ ઉપસ્થિત છે. હાલ આ મામલે બેઠક ચાલી રહી છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં જિલ્લામાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ કેટલું? જાણો તમામ માહિતી
ક્ષત્રિય મહિલાઓ પણ મેદાને
પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રાણીયોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ક્ષત્રિય મહિલાઓ વિરોધ કરી રહી છે અને સતત રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગણી કરી છે. માત્ર ગુજરાતમાં જ નહીં, હવે આ વિરોધનો વંટોળ રાજસ્થાન પહોંચી ગયો છે. ત્યાંના રાજપૂત સમાજમાં પણ રૂપાલાના નિવેદન બાદ વિરોધ જોવા મળ્યો છે.
આ પણ વાંચોઃ પરશોત્તમ રુપાલાના નિવેદન મામલે પૂર્વ CM શંકરસિંહ વાઘેલા મેદાને, કહ્યું – ટિકિટ રદ કરો
પરશોત્તમ રૂપાલાએ માફી માગી હતી
તેમના નિવેદન અંગે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ અત્યાર સુધીમાં ત્રણવાર માફી માગી ચૂકી છે. પરંતુ ક્ષત્રિય સમાજ તેમને માફ કરવા તૈયાર નથી. આ મામલે બંધ બારણે બેઠક પણ યોજવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.