સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની શક્યતા, મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ થશેઃ પરેશ ગોસ્વામી

જૂનાગઢઃ ગુજરાતના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. તેમણે આગામી સમયમાં હજુ વધારે કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવે છે કે, પાકિસ્તાનના સિંધ અને બલુચિસ્તાન પ્રાંતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ હતી. આગામી 5થી 8 મે દરમિયાન તીવ્ર માવઠું થવાની શક્યતા છે. ગાજવીજ સાથે 2થી 4 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના છે. આગામી ચાર દિવસમાં ભારે વરસાદની સંભાવના છે.

આ ઉપરાંત તેઓ જણાવે છે કે, ત્યારબાદ બે દિવસ હળવા ઝાપટાં સાથે માવઠું પુરૂં થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે માવઠાની શક્યતા છે. અડધાથી ત્રણ ઈંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં હળવા માવઠાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઓછી તીવ્રતા સાથે સામાન્ય ઝાપટાં પડશે. જેને લઈને ખેતી પાકોને તથા બાગાયતી પાકોમાં નુકસાન થવાની શક્યતા છે.