તમિલનાડુના ટાટા ઈલેક્ટ્રોનિક્સના પ્લાન્ટમાં ભીષણ બ્લાસ્ટ, મચી ગઈ અફરાતફરી

Tata Electronics Blast News: તામિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લાના હોસુર પાસે આવેલા ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડના પ્લાન્ટમાં શનિવારે સવારે ભીષણ બ્લાસ્ટ થયો. મળતી માહિતી મુજબ, કંપનીના મોબાઈલ ફોન એસેસરીઝના પેઈન્ટિંગ યુનિટમાં આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ, ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.
ઘટના શનિવારે સવારે 5.30 વાગ્યાની છે. કંપનીનો પ્લાન્ટ ઉદનપલ્લીમાં આવેલો છે. આગની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો હતો. કારીગરો અને સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને પ્લાન્ટની અંદરના તમામ કર્મચારીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
અહેવાલો મુજબ, ઘટના સમયે પ્લાન્ટમાં 1500 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા નથી મળ્યું. ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડના પ્રવક્તાના હવાલાથી મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તમિલનાડુના હોસુર ખાતે આવેલા ટાટા ઈલેક્ટ્રોનિક્સના પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની. જો કે, કર્મચારીઓએ ઇમરજન્સી પ્રોટોકોલનું પાલન કર્યું અને તમામ સુરક્ષિત છે. આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ત્રણ કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ પાડવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ કર્મચારીઓની હાલત હાલ સ્થિર છે. પ્રભાવિત પ્લાન્ટ પાસે 100થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તમામ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને કંપની પરિસરને ખાલી કરી દેવામાં આવ્યું છે. જણાવી દઈએ કે ટાટાનો આ પ્લાન્ટ આઈફોનની એસેસરીઝ બનાવે છે. અહીં લગભગ 4500 કર્મચારીઓ કામ કરે છે. 500 એકરમાં ફેલાયેલા આ પ્લાન્ટમાં 24 કલાક શિફ્ટમાં કામ થાય છે.