January 21, 2025

Panchamahalમાં તાળફળીનું ધૂમ વેચાણ, લૂ-પથરી અને ડિહાઇડ્રેશનથી બચાવે છે

પંચમહાલઃ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગગનચુંબી ઊંચાઈ ધરાવતા તાડના વૃક્ષ હાલ સ્થાનિકો માટે રોજગારીનું સાધન બન્યા છે. ઔષધિય ગુણ ધરાવતા તાડફળીના ફળનું પંચમહાલ જિલ્લાના જાહેર માર્ગો ઉપર ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ઉનાળાની ઋતુમાં ગુણકારી માનવામાં આવતું તાડફળીનું ફળ હાલ સૌ હોંશે હોંશે આરોગતા પણ જોવા મળી રહ્યા છે.

પંચમહાલ જિલ્લામાં ગગનચુંબી ઊંચાઈ ધરાવતા તાડના અસંખ્ય વૃક્ષ આવેલા છે. આ વૃક્ષનો ઉપયોગ સ્થાનિકો રોજગારી માટે હાલ કરી રહ્યા છે. આ ઉપરાંત તાડના પાંદડાનો ચોમાસામાં પણ ઉપયોગ કરતા હોય છે. ઔષધિય ગુણો ધરાવતા વૃક્ષ તાડમાંથી પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં કેટલાક જાણકારો તાડી અને નીરો જેવા પ્રવાહી મેળવી તેનું પણ વેચાણ કરતા હોય છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ ગરમીથી રાહત નહીં મળે

આ ઉપરાંત તાડના વૃક્ષ ઉપર લાગતા અને ગિલોરા તરીકે ઓળખાતા ફળમાંથી વેચાણ કરી હાલ રોજગારી પણ મેળવી રહ્યા છે. હાલ પંચમહાલ જિલ્લાના હાઇવે માર્ગો ઉપર ઠેર ઠેર તાડફળીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત અહીંથી તાડફળી વડોદરા સહિતના માર્કેટમાં પણ ખેડૂતો વેચવા માટે મોકલી રહ્યા છે. જો કે, સસ્તા ભાવે મળી રહેલી અને મીઠા લાગતા તાડના ફળ વૃક્ષ ઉપરથી ઉતારવા માટે ખૂબ જ કઠિન અને પડકારજનક પણ માનવામાં આવે છે. આ ઉપરાંત ગિલોરામાંથી ફળ બહાર કાઢવામાં પણ ખૂબ જ મહેનત કરવી પડે છે.

તાડના વૃક્ષનું આયુર્વેદમાં પણ ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તેના એકમાત્ર ફળ તાડફળીની જો વાત કરવામાં આવે તો, આયુર્વેદાચાર્યના મત પ્રમાણે ઉનાળામાં આ ફળનું સેવન ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તાડફળીના સેવનથી લૂ નથી લાગતી, પથરી અને ડિહાઇડ્રેશનમાં પણ રાહત મળે છે. આ સાથે જ તાડફળીમાં પ્રોટીન અને કેલ્શિયમનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં આવતું હોય છે. જેથી તેના સેવનને શરીર માટે હિતકારી માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ ગરમીથી રાહત નહીં મળે

તાડના વૃક્ષમાંથી કાઢવામાં આવતા રસ તાડી અને નીરો કહેવામાં આવે છે, જે બંનેનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તો એ પણ ગુણકારી માનવામાં આવે છે. જ્યારે વધુ સેવન કરવામાં આવે તો તે માદક દ્રવ્યનું સ્વરૂપ ધારણ કરતા હોય છે. આ ઉપરાંત આયુર્વેદ આચાર્યના જણાવ્યા મુજબ, તાડફળી ફેસમાસ્ક તરીકે પણ ખૂબ જ ગુણકારી અને ઉપયોગી છે. તાડફળીને ચંદનના પાવડર સાથે ભેળવી લેપને ચહેરા ઉપર લગાવવામાં આવે તો ચહેરાનો નિખાર ખીલી ઉઠે છે અને સાથે જ ચામડીને પોષકતત્વો પણ મળી રહેતા હોય છે.