પંચમહાલમાં પ્રેમીએ કરી પરિણીતાની હત્યા, બ્રેક વાયરથી ગળું દબાવ્યું ‘ને ફોન જંગલમાં ફેંક્યો; આરોપીની ધરપકડ

દશરથસિંહ પરમાર, પંચમહાલઃ જિલ્લાના શહેરા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાંથી લગ્નેતર સંબંધોમાં પ્રેમિકાની નિર્દયી હત્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે. પરણીતાની હત્યાના ઘૂંટાતા રહસ્ય પરથી પંચમહાલ પોલીસે પરદો હટાવતા ચોંકાવનારું સત્ય સામે આવ્યું હતું.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ડુમેલાવ ગામના બાંધેલી જંગલ વિસ્તારમાંથી ગત 25 માર્ચની સાંજે ખુલ્લા મેદાન જેવા વિસ્તારમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. આ ઘટનાની જાણ થતાં શહેરા પોલીસે પ્રાથમિક તપાસ કરતા મળી આવેલી લાશ 32 વર્ષીય રંજનબેન કેવળભાઈ પટેલની હોવાનું સામે આવ્યું હતું. પરણીતાની લાશ મળી હોવાની ખબર વાયુવેગે ફેલાતા ઘટનાસ્થળે ભારે લોકટોળા એકત્રિત થયા હતાં. મૃતક રંજનબેનના અંદાજીત 12 વર્ષ પહેલા કુંડલા ગામે કેવળભાઈ પટેલ સાથે લગ્ન થયા હતા. લાંબા લગ્ન જીવનથી તેમને બે બાળકો પણ હતાં. પતિ મજૂરી કામ કરતા હતાં અને સંસાર સારી રીતે ચાલતો હતો. પરંતુ અચાનક 25 તારીખે સવારે 4 વાગ્યાની આસપાસ સાસરીના ઘરે કુંડલાથી કોઈને કહ્યા વિના નીકળી ગયા હતા. ત્યારબાદ રંજનબેનની લાશ ગામ નજીકના ડુમેલાવ ગામની ખેત તલાવડીના ખુલ્લા મેદાનમાંથી મળી આવી હતી.
મૃતક રંજનબેનના ભાઈ શહેરા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 24 માર્ચના રોજ બહેન રંજનનો ફોન આવ્યો હતો અને પિતા સહિત બધાના ખબર અંતર પૂછ્યા હતા. ત્યારબાદ કોઈ વાત થઈ નહોતી. 25 તારીખે ઓળખીતાનો ફોન આવ્યો કે બહેન રંજનની લાશ ડુમેલાવના જંગલમાં પડી છે. અમે ત્યાં જઈ જોયું તો રંજનબેનની લાશ પડેલી હતી અને ગળામાં ક્લચ વાયર બાંધેલો હતો. આ સાથે જ બોડી પર પથ્થરો માર્યાના નિશાન પણ હતા. શ્રીફળ, ફૂલહાર અને લાલ કપડું પણ પડ્યું હતું. લાશ જોતા જ અમને ખ્યાલ આવ્યો કે બહેન રંજનની કોઈકે હત્યા કરી છે, જેથી અમે શહેરા પોલીસને જાણ કરી હતી. રંજનબેનને તેમના પતિ અને સાસરિયા સાથે અવારનવાર કકળાટ થતો હતો. બેથી ત્રણ વાર સામાજિક રાહે સમધાન કર્યા બાદ તેઓ સાસરીમાં ગયા હતા.
રંજનબેનની હત્યા ઘર કંકાસમાં થઈ હોવાનું સૌને લાગી રહ્યું હતું. જ્યારે લાશ પાસેથી મળી આવેલી શંકાસ્પદ વસ્તુઓ જોતા તેમની કદાચ તાંત્રિક વિધિમાં પણ હત્યા થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. હત્યાનું રહસ્ય એવું ઘૂંટાતું જતું હતું કે, પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી. જો કે, પોલીસે ટેક્નિકલ અને હ્યુમન સોર્સ કામે લગાડતા એક વ્યક્તિ પ્રત્યે પોલીસને શંકા ઉપજી હતી. જેની કોલ ડિટેઇલ ચેક કરતા પોલીસના ધ્યાને આવ્યું કે, મૃતક રંજનબેનના નજીકના ગામ માતરીયાનો રહેવાસી દિલીપ ડામોર સાથે રંજનબેન દરરોજ મોડી રાત સુધી વાતો કરતા હતા અને હત્યાની રાત્રે પણ વાત થઈ હતી. જેથી શંકાના આધારે પોલીસે દિલીપ ડામોરની પૂછપરછ કરી તો જે જાણવા મળ્યું તે જોઈ પોલિસ પણ ચોંકી ઉઠી.
શંકાના આધારે પૂછપરછ માટે લવાયેલા દિલીપ ડામોર પોલીસની ઉલટ તપાસ અને આકરી પૂછપરછથી ભાંગી પડ્યો હતો. તેને પોલીસ સમક્ષ કબુલ કર્યું કે, રંજનબેનની હત્યા તેણે પોતે જ પોતાના દીકરાની સાયકલના બ્રેક વાયરથી ગળું દબાવી કરી છે. હત્યારા દિલીપ ડામોરે પોલીસને જણાવ્યું કે, રંજનબેનના સાસરીમાં તે એક વર્ષ પહેલાં રામદેવજીનો પાઠ પૂરવા ગયો હતો. જ્યાં રંજન સાથે આંખો મળી જતા બંને વચ્ચે પ્રેમસંબંધ સ્થપાયો હતો. દિલીપ અને રંજન મોડી રાત સુધી એકબીજા સાથે ફોન પર વાતો કરતા હતા. જે જગ્યાએ રંજનની હત્યા થઈ તે જ જગ્યાએ ઘણી વખત રાત્રીના અંધારામાં મળતા હતા. તેમની વચ્ચે ઘણી વખત શરીરસંબંધ પણ બંધાયો હતો.
હત્યારાએ નિર્લજ્જતાથી કબુલ્યું પણ ખરું કે, રંજનને તેના પતિ સાથે નહોતું રહેવું. રંજનને તેનો પતિ ખૂબ ત્રાસ આપતો હતો. તેથી રંજન તેના પતિ સાથે રહેવા નહોતી માંગતી. રંજનને તેની એટલે કે દિલીપ સાથે ઘરસંસાર માંડવો હતો. અત્યાર સુધી રંજન સાથે તમામ પ્રકારના સુખ ભોગવનારા પ્રેમી દિલીપ ડામોર પણ પરણેલો હોવાથી તેને રંજન હવે બોજ અને આફત લાગવા લાગી હતી. તેથી રંજનનો કાંટો કાઢી નાંખવાની યોજના બનાવી હતી. હત્યાની રાત્રે રંજનને નિર્ધારિત જગ્યાએ મળવા બોલાવી. દિલીપ ઘરેથી રાત્રે બાધાનું કામ હોવાનું કહી શ્રીફળ વગેરે સામગ્રી સાથે દીકરાની સાયકલનો બ્રેક વાયર લઈને નીકળ્યો હતો. રંજન અને દિલીપ બંને દરરોજની જગ્યાએ મળ્યા પણ ખરા. દિલીપ સાથે સુખી ઘરસંસારના સપના જોતી રંજનને દિલીપે અંધારામાં પ્રેમ કરવાનું નાટક કરી ગળા પર બ્રેક વાયર ટૂંપી દઈ તેની નિર્મમ હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ શ્રીફળ સહિતનો સામાન રંજનની લાશ પાસે મૂકી દિલીપ પુરાવાનો નાશ કરવા રંજનનો ફોન લઈ નજીકના ગામના જંગલમાં ફેંકી આવ્યો હતો.
હત્યારા દિલીપને એમ હતું કે, પોલીસ ગુમરાહ થશે અને પોતે બચી જશે. પરંતુ પોલીસે અદ્યતન ટેકનોલોજીના સથવારે માત્ર ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપી દિલીપ ડામોર સામે હત્યાનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી પ્રેમ કહાનીમાં એક મહિલાને પતિ તરફથી ત્રાસ તો પ્રેમી તરફથી મોત જ મળ્યું. તેના સિવાય તે 12 વર્ષના લગ્ન જીવન અને એક વર્ષના લગ્નેતર પ્રેમસંબંધમાં કાંઈ પામી શકી નહીં. ત્યારે હૈયું હચમચાવી મૂકતી આ ઘટનામાં ત્રણ પરિવારો અને રંજન તથા દિલીપના બાળકો નોંધારા બન્યા તે પણ હકીકત છે.