January 2, 2025

પાવાગઢમાં રોપ-વે બંધ, વહેલી સવારથી જ વરસાદી માહોલ

પંચમહાલઃ પાવાગઢમાં વરસાદી માહોલને કારણે રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. વાતાવરણ ચોખ્ખું થયા બાદ રોપ-વે શરૂ થવાની શક્યતાઓ છે. આજે વહેલી સવારથી જ ત્યાં વાદળછાયું વાતાવરણ રહ્યુ હતુ અને વરસાદી માહોલ છવાયો હતો.

રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં 52 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 4 તાલુકામાં 1 ઈંચ અને 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 48 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ડેસર તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે કલોલ તાલુકામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાવલી અને જાંબુઘોડામાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ
ગુજરાતમાં મેઘરાજાએ માહોલ જમાવી દીધો છે. ત્યારે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડે તેવી આગાહી છે. આ ઉપરાંત રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. આ ઉપરાંત તાપી, ડાંગ, વલસાડ, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસે તેવી આગાહી છે.

આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયામાં પણ કરંટ વધુ જોવા મળે તેવી શક્યતા છે. ત્યારે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.